આણંદ જિલ્લામાં સરની કામગીરી માટે ચૂંટણી પંચના ભારે ધમપછાડા છતા જિલ્લાની આણંદ, બોરસદ અને ખંભાતની સબજેલમાં કેદ એવા 134 કેદીઓના ફોર્મ ભરવા મુદ્દે તંત્ર દ્વારા નીતિ-રીતિ અખત્યાર કરવામાં આવી હોવાની કેટલીક હકીકતો બહાર આવી છે.
અધિકારીઓ દ્વારા બીએલઓને દૈનિક ફોર્મની ડીજીટેલાઇઝેશનની પ્રક્રિયા પુર્ણ કરવા ભારે દબાણ કરવામાં આવી રહ્યુ છે. ઘરે ઘરે ફરીને જિલ્લાના મતદારોને મતદાર ગણતરી ફોર્મ વિતરણ કરી પરત મેળવીને કામગીરી અટોપવામાં આવી રહી છે. ચૂંટણીપંચના એક પણ મતદાર ફોર્મ ભરવાથી વંચિત રહી ન જાય તે માટે ઉધામા કરવામાં આવી રહ્યા છે.
પરંતુ આણંદની સબ જેલમાં 56, બોરસદની જેલમાં 29 અને ખંભાતની જેલમાં 49 કેદીઓના મતદાર ફોર્મની વેરીફીકેશનની કામગીરી કરવામા આવી ન હોવાનું જાણવા મળ્યુ છે. તેમજ જેલોમાં બંધ કેદીઓના ફોર્મ ભરવા માટે સ્થાનિક તંત્રએ તસ્દી પણ લીધી નથી. જેથી જેલોમાં બંધ કેદીઓના નામો મતદારયાદીમાં સમાવેશ થશે કે કેમ તે અંગે પણ અવઢળની સ્થિતી પ્રવર્તી છે. એક તરફ ચૂંટણીપંચ દ્વારા બુથલેવલ ઓફીસરોને ટાર્ગેટ પુર્ણ કરવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માનસિક દબાણ કરવામાં આવી રહ્યુ છે. જ્યારે બીજી તરફ જેલમાં બંધ કેદીઓના ફોર્મ મુદ્દે ખુદ તંત્રએ આંખ આડા કાન કર્યા હોય તેવી વર્વી વાસ્તવીકતાએ અનેક ચર્ચાઓ જગાવી છે. સબ જેલોમાં બંધ કાચા કામના કેદીઓના ફોર્મ ભરવા સ્થાનિકતંત્ર દ્વારા જેલોમાં ખાસ કેમ્પ કે વેરીફીકેશનની કામગીરી કરવામાં આવી નથી.