આણંદ જિલ્લામાં આંકલાવ પોલીસે સમયસૂચકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. જમીન બાબતે પિતા સાથે થયેલી બોલાચાલીથી લાગી આવતા, આણંદના નાવલીગામના પીઝાનો વ્યવસાય કરતા 37 વર્ષીય જતીનભાઈ પ્રવીણભાઈ પટેલ નામના યુવકે ઉમેટા બ્રિજ પરથી નદીમાં કૂદીને આત્મહત્યા કરવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો. આંકલાવ પોલીસને આ બાબતની માહિતી મળતા જ, એએસઆઈ ઓધવજી ભીખાભાઈ, હેડ કોન્સ્ટેબલ દીપેનકુમાર ચીમનભાઈ, અને દિવ્યરાજસિંહ વાસુદેવસિંહની ટીમ તુરંત ઘટના સ્થળે દોડી ગઈ હતી. યુવક જેવો પોતાની કારમાંથી ઉતરીને નદીમાં છલાંગ લગાવવાની તૈયારીમાં હતો, તે પહેલાં જ પોલીસે તેને પકડી લઈને તેનો જીવ બચાવ્યો હતો.
બચાવ બાદ યુવકને આંકલાવ પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. પોલીસે તુરંત જ યુવકના પરિવારનો સંપર્ક કર્યો અને તેમને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. પરિવારજનો તાત્કાલિક પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જ્યાં પોલીસે આ મામલામાં સંવેદનશીલતા દાખવી હતી. પોલીસે યુવક અને તેના પરિવાર બંનેને ધીરજપૂર્વક સમજાવ્યા હતા અને જીવનમાં ક્યારેય આવું ગંભીર પગલું ન ભરવાની સલાહ આપી હતી. સંકટની આ ઘડીમાં પોલીસે માત્ર જીવ બચાવ્યો નહીં, પરંતુ પરિવારની સાથે ઊભા રહીને તેમને માનસિક હૂંફ્ પણ આપી હતી.










