ખંભાત નગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે હાથ ધરાયેલી કાર્યવાહી અંતર્ગત આજે પ્રેસ રોડ વિસ્તારમાં આવેલ મતિન યુનુસ વ્હોરા ઉર્ફે અલ્ટી દ્વારા કરાયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે. નગરપાલિકાએ અગાઉ અનેક વાર સંબંધિત વ્યક્તિને નોટિસ આપીને કાયદેસર જમીન ખાલી કરવાની સૂચના આપી હતી, છતાં પણ દબાણ ન હટાવતા નગરપાલિકાએ આ મામલે કડક વલણ અપનાવ્યું હતું. નગરપાલિકા એ બજાવેલ નોટીસ મુજબ, ખંભાત નગરપાલિકાની એસ્ટેટ કમિટી તથા એક્ઝિક્યુટિવ કમિટીના ઠરાવોને આધારે સંબંધિત વ્યક્તિને વારંવાર સૂચના આપ્યા બાદ પણ દબાણ દૂર ન થતાં, કાયદાકીય જોગવાઈઓ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન પોલીસ તંત્રના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નગરપાલિકાએ સ્થળ પર હાજરી આપી ગેરકાયદેસર દબાણ તોડી પાડયું હતું. ઉલ્લેખનીય છે કે મતિન યુનુસ વ્હોરા ઉર્ફે અલ્ટી વિરુદ્ધ સાતથી વધુ ગુનાઓ નોંધાયેલા છે તથા તેને ભૂતકાળમાં તડીપાર સુધીની સજા ફ્ટકારવામાં આવી છે. ખંભાત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર વહીવટી અને પોલીસ તંત્ર મળીને સતત ચુસ્ત પગલાં લઈ રહ્યું છે. શહેરમાં કોઈપણ પ્રકારના ગેરકાયદેસર દબાણો, અસામાજિક પ્રવૃત્તિઓ કે કાયદાના ભંગને સહન નહીં કરવામાં આવે તેવી ચેતવણી તંત્રએ આપી છે. મતિન વ્હોરાના અન્ય ગેરકાયદેસર દબાણો તથા સંપત્તિઓ અંગે પણ તપાસ ચાલી રહી છે. આવનારા દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારના ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નગરપાલિકાની આ કાર્યવાહીથી શહેરમાં કાયદો અને શાંતિ જળવાઈ રહે તે માટે નાગરિકોએ પ્રશંસનીય પ્રતિસાદ આપ્યો છે.

Gujarat Latest News live : રાજ્યમાં વરસાદની આગાહી









