આણંદ કૃષિ યુનિવર્સિટીમાં અધુરા પ્રોજેક્ટે નોકરીમાંથી છુટા કરવાના મામલે ભરત સોલંકી સહીતના ત્રણ કર્મચારીઓએ આ મુદ્દે હાઇકોર્ટમાં ન્યાયની દાદ માંગતા કાનુની વિવાદ છેડાયો છે. જેમાં ન્યાયાધિશ નિખિલ કારીલે કૃષિ યુનિવર્સિટીના રજીસ્ટ્રારને 22 સપ્ટેમ્બરના રોજ હાજર રહેવા આદેશ કર્યો છે. જેને લઇને યુનિવર્સિટીમાં હડકંપ મચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે યુનિવર્સિટીના જુદા જુદા કેન્દ્રો ખાતે ફરજ બજાવતા રીસર્ચ એસોસિએટ અને સિનિયર રીસર્ચ ફેલો કે જેઓ છેલ્લા ઘણા સમયથી કરાર આધારીત ફરજ બજાવતા હતા. તેવા 41 કર્મચારીઓને રાતોરાત ગત માસે ઘર ભેગા કરાતા તે પૈકી ત્રણ કર્મચારીઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જેથી કર્મચારીઓને ન્યાય મળવાની આશા પ્રબળ બની છે.
મધ્ય ગુજરાતની અગ્રણી અને છેલ્લા એક વર્ષથી અનેક વિવાદોને લઇને ચર્ચામાં રહેલી આણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન દેરોલ, દેવગઢબારીયા, દાહોદ, જબુગામ અને આણંદ ખાતેના કેન્દ્રોમાં ફરજ બજાવતા રીસર્ચ એસોસિએટસ અને સિનિયર રીસર્ચ ફેલો કે જેઓ છેલ્લા ઘણા લાંબા સમયથી કરાર આધારીત વિવિધ પ્રોજેક્ટોમાં ફીક્સ પગારથી ફરજ બજાવતા હતા. તેવા કર્મચારીઓ યુનિવર્સિટીમાં જુદા જુદા વિષયો ઉપર રીસર્ચ હાથ ધરીને યુનિવર્સિટીની નામના વધારી છે. એટલુ જ નહી કેટલાક કર્મચારીઓ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પણ પુરૂ પાડી રહ્યા હતા. તેમજ જે પ્રોજેક્ટ માટે તેઓની ભરતી કરવામાં આવી હતી. તે પ્રોજેક્ટો હાલમાં ચાલુ અને કાર્યરત હોવા છતા અધુરા પ્રોજેકટે 41 કર્મચારીઓને 31 જુલાઇ, 5 ઓગષ્ટ અને 7 ઓગષ્ટ એમ ત્રણ તબક્કામાં કાર્યાલય આદેશથી યુનિટ અધિકારી દ્વારા રાતો રાત રૂખસદ આપી દેવામાં આવી છે. આ મુદ્દે ઉચ્ચ કારકીર્દીના ઘડતરના સપના સાથે કરાર બેઝ ઉપર તન,મનથી કામ કરતા કર્મચારીઓ માટે ફરજનું સ્થળ રોજીરોટી ઉપરાંત એક મંદિર સમાન હતું. પરંતુ તેઓને છુટા કરી દેવામાં આવતા તેઓની આર્થિક સ્થિતિ કથળી છે. ભરત સોલંકી સહિતના ત્રણ કર્મચારીઓએ અધુરા પ્રોજેક્ટે નોકરીમાંથી છુટા કરવા બદલ હાઇકોર્ટમાં સ્પેશ્યલ સિવિલ એપ્લિકેશન દાખલ કરીને યુનિવર્સિટીના તખલખી નિર્ણયને પડકાર્યો છે. જેમાં હાઇકોર્ટે યુનિવર્સિટીના રજીસ્ટ્રારને 22 મી સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર રહેવાનો હુકમ કર્યો છે.










