આંકલાવ તાલુકાના ઉમેટા અને ખડોલ ગામ નજીક આવેલી પવિત્ર મહીસાગર નદી હાલમાં એક મોટા વિવાદનું કેન્દ્ર બની છે. અહીં કોઈપણ પ્રકારની સરકારી પરવાનગી વિના ઝીંગાના બડિંગ(બિયારણ) નો ઉદ્યોગ અને વેપાર બેરોકટોક ચાલી રહ્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે કાયદેસર રીતે માછીમારી કરતા સમુદાયના લોકોની આજીવિકા જોખમમાં મુકાઈ છે અને સ્થાનિક માછીમારો વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે.
અત્રે જે માછીમારો કાયદેસર રીતે પરમિટ મેળવીને મહીસાગર નદીમાં માછીમારી કરી રહ્યા છે. તેમને આ ગેરકાયદેસર કારોબારને કારણે ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. ગેરકાયદેસર રીતે ઝીંગાના બિયારણની ચોરી અને વેચાણ થતાં, નદીના કુદરતી સંસાધનો પર દબાણ વધી રહ્યું છે. કાયદેસર માછીમારોએ આ બાબતે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધીમાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.










