આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તા. 26મી જુલાઈએ એક જાગૃત નાગરિકની ફરીયાદના આધારે છટકુ ગોઠવીને કાર્યવાહી હાથ ધરાઈ હતી. ફરીયાદ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, તાજેતરમાં ખંભાત સીટી પોલીસ સ્ટેશન ખાતે ગૌમાંસ સંબંધિત ગુનો નોંધાયો હતો. જેમાં ફરીયાદીનો મોબાઈલ નંબર આરોપીની કોલ ડીટેઇલમાં આવતાં પોસઇ પી.ડી. રાઠોડે ફરીયાદીને આરોપી તરીકે ન બતાવવા તથા પરિવારનું નામ ન ઉછાળવા બદલ રૂ. 5 લાખની લાંચની માંગણી કરી હતી. પરંતુ તેમણે લાંચ આપવાનો ઇનકાર કરતાં આરોપીઓ લાંચની રકમ ઘટાડીને રૂ. 3 લાખમાં સંમત થયા હતા. આ અંગે ફરીયાદીએ આણંદ ACBમાં અરજી કરતાં એમ.એલ. રાજપૂત અને ટીમે આયોજનબદ્ધ રીતે છટકુ ગોઠવ્યુ હતું. તેમજ ખંભાતના લાલ દરવાજા પાસે તાડછા હોટલમાં પોલીસના વચેટિયા આરોપી નં.2 મોહમ્મદ ઇમરાને રૂ. 3 લાખની લાંચ સ્વીકારી હતી. લાંચ લેનારએ વોટ્સએપ કોલ દ્વારા પો.સ.ઇ. રાઠોડને રકમ પ્રાપ્ત થયાની પુષ્ટિ કરી હતી. આ દરમ્યાન આરોપીને સ્થળ પરથી ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



  • Follow us on: