આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બોચાસણ ગામના વતની અને વાત્સલ્ય ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ-8માં અભ્યાસ કરતા અંશ અમિત પટેલ હોમવર્ક સંબંધિત ઠપકો અને પોતાના વાલીઓ સુધી જાણ થશે તેવી ભીતિ વચ્ચે સ્કૂલથી ઘરે પરત આવ્યા બાદ ઘરમાં કંઈ કહ્યા વિના બહાર નીકળી ગયો હતો. મોડીરાત સુધી ઘરે ન આવતા ચિંતીત માતા-પિતાએ તાત્કાલિક બોરસદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મળતાની સાથે જ બોરસદ ગ્રામ્ય પોલીસ મથકના પી.આઈ. શ્રી એસ.એમ. પટેલ તથા સ્ટાફે સમગ્ર ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને ઝડપથી તપાસ શરૂ કરી હતી. પોલીસે બોચાસણથી આણંદ સુધીના 15થી વધુ CCTV ફુટેજ ચેક કર્યા હતાં. તેમાં અંશ રિક્ષા દ્વારા બોરસદ તરફ્ જતા નજરે પડતા રિક્ષાચાલકની પૂછપરછ હાથ કરી હતી. બાદમાં વધુ તપાસમાં જણાવ્યું હતું કે, અંશ બોરસદથી એસ.ટી. બસ દ્વારા ક્યાંક નીકળ્યો હતો. પોલીસે સમય ન ગુમાવતાં 20થી વધુ એસ.ટી. બસ કંડક્ટરોનો ફોન દ્વારા સંપર્ક કરી વિગત મેળવી હતી, જેમાંથી જાણવા મળ્યું કે વિદ્યાર્થી આણંદ ઉતર્યો હતો. ત્યારબાદ આણંદ નેત્રમ અને રેલવે સ્ટેશનના CCTV તપાસતાં આખરે ગુમ થયેલો વિદ્યાર્થી આણંદ રેલવે સ્ટેશન પરથી હેમખેમ મળી આવ્યો હતો. પુત્રને સુરક્ષિત પરત લાવવામાં બોરસદ પોલીસ દ્વારા કરાયેલા ઝડપી, વ્યાવસાયિક અને સંવેદનશીલ પ્રયાસોને પગલે માતા-પિતા તથા પરિવારજનો દ્વારા બોરસદ પોલીસનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો છે.










