આણંદ શહેરના નાગરિકો રસ્તાની ખરાબ હાલતને લઈને લાંબા સમયથી પરેશાન છે, ત્યારે આ સ્થિતિ વચ્ચે આણંદ મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદાસ્પદ રીતે ભૂમિકા ભજવી રહી હોવાનું જોવા મળ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગો બિસ્માર હાલતમાં હોવા છતાં મનપાએ પૂર્વ કાઉન્સિલરોના ઈશારે માત્ર વિદ્યાનગર રોડ પર પેચવર્કની કામગીરી શરૂ કરી છે. જેના કારણે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાનગર રોડ પર આગામી નવરાત્રિ દરમિયાન મોટાપાયે ગરબા મહોત્સવ યોજાવાનો છે. જેમાં સ્થાનિક યુવક મંડળો દ્વારા વિશેષ રસ લેવામાં આવી રહ્યો છે. આવા સમયમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિર નજીકના માર્ગ પર પેચવર્કની કામગીરી તત્કાળ શરૂ કરાઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગરબા મહોત્સવના કારણે રસ્તાની આ કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. શહેરના અન્ય વિસ્તારોમાં ઘણા સમયથી ભંગાર માર્ગોની કોઈ દરકાર પણ કરવામાં આવતી નથી. આણંદ શહેરમાં પ્રવેશવાના તેમજ અંદરના અનેક રસ્તાની હાલત એટલી ખરાબ છે કે ત્યાંથી પસાર થવું જોખમકારક બની ગયું છે. ગાબડાં ભરેલા રસ્તાઓ તથા ધૂળની રજકણો પ્રજાજનોના આરોગ્યને પણ નુકસાન પહોંચાડે છે. ઓમકારેશ્વર મહાદેવ નજીકના રોડની હાલત અન્ય વિસ્તારોની સરખામણીએ સારી હોવા છતાં ત્યાં પેચવર્ક કરવાની કામગીરીને લઈને પ્રજાજનોમાં અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા છે. છેલ્લા દસ દિવસથી શહેરમાં વરસાદ ન હોવા છતાં મનપા દ્વારા શહેરના ખખડધજ માર્ગોની મરામત માટે હજુ સુધી કોઈ પગલાં લેવાયાં નથી.

Gujarat Weather Update: વાવાઝોડા સાથે તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી









