આણંદ જિલ્લામાં લઘુત્તમ ઉષ્ણતામાન ઉંચકાયુ છે. ઠંડી ગાયબ છે ત્યારે જિલ્લામાં રવી પાકનું 56,527 હેક્ટર વિસ્તારમાં વાવેતર કર્યુ છે. જેમાં સૌથી વધુ ખેડૂતોએ 34,775 હેક્ટર વિસ્તારમાં તમાકુનું વાવેતર કર્યુ છે.
જેમાં આણંદ તાલુકામાં 9767 હેક્ટર, આંકલાવમાં 9634, બોરસદમાં 13684, ખંભાતમાં 4690, પેટલાદમાં 8872, સોજીત્રામાં 1365, તારાપુરમાં માત્ર 25 હેક્ટર તેમજ ઉમરેઠમાં 8490 હેક્ટર વિસ્તારમાં ઘઉં, ધાન્ય,ચણા, રાઇ, તમાકુ, બટાકા, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યુ છે. તદ્ઉપરાંત આણંદ તાલુકામાં 64 અને ઉમરેઠમાં 51 હેક્ટર વિસ્તારમાં ધાન્ય પાકનું વાવેતર નોંધાયુ છે. જિલ્લામાં ઘઉંના વાવેતરનું કાર્ય મંથર ગતિએ ચાલી રહ્યુ છે. અત્યાર સુધીમાં 2393 હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યુ છે. ખેતીક્ષેત્રે વિશેષતા ધરાવતા જિલ્લામાં તમાકુના વાવેતરમાં જોર પકડાયુ છે. જેમાં આણંદ તાલુકામાં 4963 હેક્ટર, આંકલાવમાં 4410, બોરસદમાં 10082, ખંભાતમાં 3515, પેટલાદમાં 7014, સોજીત્રામાં 725, ઉમરેઠમાં 4066 હેક્ટર વિસ્તારમાં તમાકુનું વાવેતર કરવામાં આવ્યુ છે. જ્યારે તારાપુર તાલુકાના એકપણ ગ્રામ્ય વિસ્તારમાં એક પણ હેક્ટર જમીન વિસ્તારમાં તમાકુનું વાવેતર નોંધાયુ નથી. ત્યારે જિલ્લામાં ઘઉં 2393, ધાન્ય 115, ચણા 109, રાઇ 256, તેલીબીયા 193, તમાકુ 34775, બટાકા 330, શાકભાજી 10349, ઘાસચારો 8007 હેક્ટક વિસ્તારમાં રવીપાકનું વાવેતર થયું છે. જો કે ડીસેમ્બર માસમાં ઠંડીનું જોર વધશે તે સમયે ઘઉંના વાવેતરમાં વધારો થશે. માવઠાના કુદરતી કહેરને લઇને ખેડૂતો સહાય મેળવવા દોડધામ કરી રહ્યા છે. તેમજ રવી વાવેતરની કામગીરી પણ શરૂ કરી હોય ધરતીપુત્રો માથે બેવડુ ભારણ હોય તેઓની કફોળી સ્થિતી થઇ છે.










