આણંદ જિલ્લા પંચાયત અને 8 તાલુકા પંચાયતનો પાંચ વર્ષનો કાર્યકાળ અગામી વર્ષના માર્ચ માસમાં પુર્ણ થવા જઇ રહ્યો હોય ચૂંટણી પંચે રોસ્ટર મુજબ બેઠકો ફાળવતા રાજકીય ચહલ પહલ તેજ થઇ છે. ત્યારે મોગરી, જીટોડીયા, ગામડી અને લાંભવેલનો મહાનગરપાલિકાનો સમાવેશ કરવામાં આવતા જિલ્લા પંચાયતમાં બે બેઠકોનો ઘટાડો થતા પંચાયતમાં હવે 40 સભ્યોનું માળખું રહેશે. જ્યારે આણંદ તાલુકા પંચાયતમાં 4 બેઠકોનો ઘટાડો થતા 30 બેઠકો અસ્તિત્વમાં આવી છે. તે સિવાયની આંકલાવમાં 20, બોરસદમાં 34, ખંભાતમાં 26, પેટલાદમાં 28, સોજીત્રામાં 16, તારાપુરમાં 16 અને ઉમરેઠમાં 22 બેઠકોનું રોટેશન વિકાસ કમિશ્નરે જાહેર કર્યુ છે. જિલ્લા પંચાયતની બે બેઠકો ગામડી અને મોગરીનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા પંચાયતમાં બે બેઠકોનો ઘટાડો થયો છે.


જ્યારે આણંદ તાલુકા પંચાયતની કુલ 34 બેઠકો હતી. તેમાં 4 બેઠકોનો ઘટાડો કરાતા 30 સભ્યોનું માળખુ રચાયું છે. છેલ્લા ઘણા સમયથી રોટેશનને લઇને અનેક ચર્ચા અને અટકળો વહેતી થઇ હતી. સમયસર કામગીરી પુર્ણ ન થતા ચૂંટણી વિલંબીત થવાની ભીંતી સેવાઇ હતી. પરંતુ વિકાસ કમિશ્નર ગાંધીનગર દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોનું માળખું જાહેર કર્યુ છે. જિલ્લા પંચાયતમાં 40 બેઠકો પૈકી સૌથી વધુ 13 બેઠકો સામાન્ય મહિલા તેમજ એસ.સી.ની 2, એસ.ટી ની 1, એસ.ઈ.બી.સી ની 11, જનરલની 26 અને જિલ્લાની 8 તાલુકા પંચાયતો આણંદ, આંકલાવ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજીત્રા, તારાપુર અને ઉમરેઠની કુલ 192 બેઠકોમાં 11 એસ.સી., 8 એસ.ટી., 51 એસ.ઇ.બી.સી. અને 122 સામાન્ય બેઠકોનું રોટેશન જાહેર કરવામાં આવ્યુ છે. જો કે જિલ્લા પંચાયત અને આણંદ સિવાયની બાકીની 7 તાલુકા પંચાયતોની બેઠકોની સંખ્યામાં કોઇ ઘટાડો કરવામાં આવ્યો નથી. તાલુકા પંચાયતોમાં 7 એસ.સી, 1 એસ.ટી., 26 એસ.ઈ.બી.સી. અને સામાન્ય 62 મહિલા બેઠકો ફાળવાઇ છે. ગામડી અને લાંભવેલનો કરમસદ આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા બન્ને જિલ્લા પંચાયતની બેઠકો ઘટતા કુલ 40 બેઠકોનું માળખુ રહ્યુ છે. જ્યારે તાલુકા પંચાયતની ગામડી 1 અને 2, જીટોડીયા અને મોગરીનો પણ મનપામાં સમાવેશ કરવામાં આવતા એ ચાર સીટોનો પણ ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે જિલ્લા પંચાયતમાં 2 અને તાલુકા પંચાયતમાં 4 બેઠકો ઘટતા તેની સીધી અસર પંચાયત રાજ ઉપર સીધી પડશે. આણંદ, આંકલાવ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજીત્રા, તારાપુર અને ઉમરેઠ તાલુકા પંચાયતની કુલ 192 બેઠકો પૈકી 62 બેઠકો મહિલા અનામત રખાઇ છે. તેમજ 7 એસ.સી. મહિલા, 1 એસ.ટી.મહિલા અને 26 એસ.ઇ.બી.સી મહિલાની બેઠકો ફાળવવામાં આવી છે. જેમાં આણંદ તાલુકા પંચાયતના ગ્રામ્ય વિસ્તારનો મનપામાં સમાવેશ કરવામાં આવતા તાલુકા પંચાયતના વોર્ડ રચનાનું સિમાંકન ની પ્રક્રિયા ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે.


  • Follow us on: