ફરિયાદી શંકરભાઈ મફતભાઈ તળપદાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, પેટલાદની વાસદ ચોકડી પાસે ફ્રુટની લારી ચલાવીને ગુજરાન ચલાવું છે. જેથી મારા મોટાભાઈ મહેન્દ્રભાઈ મફતભાઈ તળપદા (ઉં.વ. 53) અને તેમનો ભાણો દિલીપભાઈ જશભાઈ તળપદા (ઉં.વ. 28) સીએનજી રીક્ષા લઈને વડોદરા ખાતે આવેલા ખંડેરાવ ફ્રુટ માર્કેટમાં મંગળવારની વહેલી સવારે ફ્રુટ લેવા માટે જતા હતા. જ્યારે તેઓ સુંદણ ફાટક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જ પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલી એક ટ્રક આવી પહોંચી હતી અને પાછળથી ટક્કર મારતાં સીએનજી રીક્ષા આગળ જતી લક્ઝરી બસમાં પાછળના ભાગે અથડાઈ હતી જેમાં રીક્ષામાં સવાર મહેન્દ્રભાઈ તળપદા અને દીલીપભાઈ તળપદાને હાથેપગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં 108 એમ્બ્યુલન્સને ફોન કરતાં તેઓ આવી પહોંચ્યા હતા બંનેને વાસદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે મહેન્દ્રભાઈને મૃત જાહેર કર્યા હતા જ્યારે દીલીપભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જતાં સારવાર મળે તે પહેલા રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે વાસદ પોલીસે ટ્રકના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.



  • Follow us on: