વડોદરાના તાદલજા વિસ્તારમાં રહેતો સિદ્દીકી પરિવાર શનિ-રવિની રજાઓ માણવા માટે ઉમેટા નજીક આવેલા પ્રખ્યાત કામધેનુ રિસોર્ટ ખાતે આવ્યો હતો. પરિવારજનો રિસોર્ટમાં મોજ-મસ્તી કરી આનંદ માણી રહ્યા હતા, ત્યારે અચાનક એવી કરુણાંતિકા સર્જાઈ કે પરિવારની ખુશીઓ ક્ષણભરમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી. રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી પરિવારના 2 માસૂમ બાળકોના કમનસીબ મોત નીપજ્યા છે.
બર્થડેના 11 દિવસ પહેલાં જ આભ ફાટ્યું
મૃતક જોડિયા ભાઈઓના નામ હમજા સિદ્દીકી અને નોમાન સિદ્દીકી હતા. સૌથી હૃદયદ્રાવક બાબત એ છે કે, આગામી 27 ઓગસ્ટે બંને બાળકોનો જન્મદિવસ આવવાનો હતો. બાળકોએ રિસોર્ટ જવા માટે પિતા પાસે જીદ કરી હતી અને તેમને પણ સાથે આવવા મનાવ્યા હતા. બર્થડે ઉજવવાના માત્ર 11 દિવસ પહેલાં જ બંને વહાલસોયા પુત્રોનું એકસાથે મોત થતાં સિદ્દીકી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

એડલ્ટ સ્વિમિંગ પૂલમાં પહોંચી જતાં હોનારત સર્જાઈ
પ્રાપ્ત વિગતો અનુસાર, બંને બાળકો સ્વિમિંગ પૂલમાં ન્હાવા માટે ગયા હતા. તે દરમિયાન અજાણતાં જ તેઓ બાળકોના પૂલમાંથી મોટાઓ માટેના સ્વિમિંગ પૂલમાં પહોંચી ગયા હતા અને ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. માતા-પિતાએ બાળકોને બચાવવાના અથાક પ્રયાસો કરીને જાતે જ તેમને પૂલમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક 112 જનરક્ષકની મદદથી બંનેને આંકલાવ રેફરલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ બંને માસૂમોને મૃત જાહેર કર્યા હતા.

રિસોર્ટ મેનેજમેન્ટની બેદરકારી સામે સવાલો
આ કરુણ ઘટના બાદ પરિવારજનોએ રિસોર્ટ મેનેજમેન્ટ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. બાળકો માટેના અને મોટાઓ માટેના પૂલ વચ્ચે યોગ્ય સુરક્ષા કોર્ડન, પૂરતા સેફ્ટી ગાર્ડ્સ તેમજ જરૂરી લાઈફ સેવિંગ સાધનોનો અભાવ હતો કે નહીં તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. ઘટનાની જાણ થતાં જ આંકલાવ પોલીસે કામધેનુ રિસોર્ટ ખાતે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે, રિસોર્ટમાં સુરક્ષાના નિયમોનું પાલન થતું હતું કે નહીં.

પરિવારો માટે લાલબત્તી સમાન કિસ્સો
વીકેન્ડમાં રિસોર્ટ કે વોટરપાર્કમાં બાળકો સાથે જતાં તમામ વાલીઓ માટે આ ઘટના એક મોટો ચેતવણીરૂપ કિસ્સો છે. સ્વિમિંગ પૂલમાં બાળકોને ઉતારતા પહેલાં ત્યાં પૂરતી દેખરેખ, સુરક્ષા કર્મચારીઓની હાજરી અને ઈમરજન્સી સુવિધાઓ છે કે, નહીં તેની ચકાસણી કરવી અત્યંત જરૂરી બની રહે છે. એક નાની સરખી અસાવધાની કેવી મોટી દુર્ઘટના સર્જી શકે છે તેનું આ અત્યંત દુઃખદ ઉદાહરણ છે.
આ પણ વાંચો - Anandના ઉમરેઠ પંથકમાં મોડી રાત્રે મેઘમહેર: વાતાવરણમાં પ્રસરી આહલાદક ઠંડક