અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ નજીક એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં ત્રણ લક્ઝરી બસ, એક આઇશર ટ્રક અને એક કાર સહિત કુલ પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતને કારણે એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.


વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત

પ્રાપ્ત માહિતી મુજબ, ત્રણ લક્ઝરી બસો (જે પૈકી એક રાજકોટથી કોલ્હાપુર જઈ રહી હતી) એક્સપ્રેસ વેના સર્વિસ રોડ પર ઊભી હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલા એક આઇશર ટ્રક અને એક કાર એ આ ઊભેલી લક્ઝરી બસોની પાછળ ટક્કર મારી હતી.આઇશર ટ્રક અને કારની જોરદાર ટક્કરને કારણે ભયાનક અકસ્માત સર્જાયો હતો.

ફસાયેલા ડ્રાઇવર-કંડક્ટરને બચાવ્યા

અકસ્માતમાં આઇશર ટ્રકની કેબિનનો ભાગ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થતાં, આઇશર ટ્રકના ચાલક અને કંડકટર તેમાં ફસાઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તુરંત જ બચાવ કામગીરી હાથ ધરી હતી અને ફસાયેલા ઘાયલ ડ્રાઇવર અને કંડક્ટરને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા.અકસ્માતમાં ગંભીરપણે ઘવાયેલા આઇશર ચાલક અને કંડકટરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હાઈવે પર ટ્રાફિક જામ

આ ગંભીર ટ્રિપલ અકસ્માતને કારણે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાઈ હતી. આણંદ રૂરલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિકનું નિયમન કરીને હાઈવેને ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો કરાવ્યો હતો. હાલમાં પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

  • Follow us on: