અંકલેશ્વરના પીરામણ ગામ પાસેથી પસાર થતી આમલાખાડીમાં કાળા કલરનું પ્રદુષિત પાણી વહેતું જોવા મળ્યું હતું, આજે ફરી વસાહતની વરસાદી ગટરમાં લીલા કલરનું પ્રદુષિત પાણી વહેતું જોવા મળતાં પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબી ગાંધીનગર અને અંકલેશ્વરને ફરિયાદ કરાતા તપાસ હાથ ધરાઈ છે.


અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં વરસાદ ના હોય ત્યારે પણ વરસાદી ગટરોમાં પ્રદુષિત પાણી વહેવડાવી દેવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં બનતી આવી છે. હવે જયારે ચોમાસાની ઋતુની શરૂઆત થઇ છે, તો વરસાદ સાથે વરસાદી ગટરોમાં પ્રદુષિત પાણી વહેવડાવાની ઘટનાઓ બની રહી છે. દરેક વખતે ચોમાસામાં પ્રદુષિત પાણી વરસાદી ગટરોમાં વહેતું હોવાથી આસપાસની આમલાખાડી, અમરાવતી ખાડી અને છાપરા ખાડી પ્રદુષિત બને છે. આ પાણી નર્મદા નદી સુધી જાય છે, જેથી ભૂગર્ભ જળ પણ પ્રદુષિત થાય છે, જેના કારણે માનવ સ્વાસ્થ્ય અને જળચરોના જીવનને ખતરો રહે છે. આ બાબતે ફરિયાદ કરાય તો તપાસ થાય છે, પરંતુ ત્યારબાદ ફરી જૈસે થેની સ્થિતિ જોવા મળે છે. આજે ત્રણ કિ.મી. સુધીની વરસાદી ગટરમાં લીલા કલરનું પ્રદુષિત પાણી જોવા મળ્યું હતું, તે ક્યાંથી આવતું હતું એ પણ જણાતું હતું. છતાં જાણે જવાબદારો સામે આંખ આડા કાન કરાતાં હોવાનું જણાય છે. અગાઉ ફરિયાદોના અનુસંધાને અને NGT કોર્ટના હુકમથી અંકલેશ્વરના પ્રદુષિત પાણીને રોકવા બાબતે કમિટીની રચના થઈ છે, છતાં પણ આવી ઘટનાઓનું પુનરાવર્તન થઇ રહ્યું છે. ત્યારે કમિટીના સભ્યોની કામગીરી સામે પણ શંકા ઉદ્ભવી રહી છે.


  • Follow us on: