અરવલ્લી જિલ્લાના બાયડ-વાત્રક વિસ્તારમાં મોડાસા-નડિયાદ સ્ટેટ હાઈવે પર એક ગંભીર અને જોખમી ઘટના સામે આવી છે. જેના કારણે વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે. હાઈવેના રોડ પર અજાણ્યા વાહનમાંથી ઓઈલ જેવું ચીકણું પ્રવાહી મોટા પ્રમાણમાં ઢોળાઈ ગયું હતું. જેના પરિણામે અકસ્માતનો સિલસિલો શરૂ થયો છે. આ પ્રવાહી ઢોળાતા રસ્તો અત્યંત લપસણો બની ગયો હતો. રોડની આ ગંભીર પરિસ્થિતિથી અજાણ એવા પાંચ જેટલા બાઈક ચાલકો તેના પરથી પસાર થતાં જ સ્લિપ ખાઈને રોડ પર પટકાયા હતા.


5 બાઈક ચાલકો સ્લિપ ખાઈને પડ્યા

સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી. પરંતુ તમામ બાઈક ચાલકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ પ્રવાહીના કારણે અન્ય વાહન ચાલકો માટે પણ મોટું જોખમ ઊભું થયું છે. ખાસ કરીને દ્વિચક્રી વાહન ચલાવતા લોકો માટે આ રસ્તો અત્યંત ખતરનાક બન્યો છે. જો રાત્રિના સમયે અથવા વધુ ઝડપે કોઈ વાહન પસાર થાય તો મોટો ગમખ્વાર અકસ્માત સર્જાઈ શકે છે. ઘટના બાદ રાહદારીઓ અને અન્ય વાહનચાલકોએ તુરંત જ બાઈક ચાલકોની મદદ કરી હતી અને અન્ય વાહનચાલકોને ચેતવવા માટે પ્રયાસ કર્યા હતા.

વાહન ચાલકોએ વિડિઓ કર્યો વાયરલ

કેટલાક જાગૃત વાહન ચાલકોએ રોડ પર ઢોળાયેલા પ્રવાહી અને અકસ્માતની સ્થિતિનો વિડિઓ બનાવીને વાયરલ કર્યો હતો. જેથી તંત્ર આ અંગે તાત્કાલિક પગલાં લે. વાહન ચાલકોએ વહીવટી તંત્ર અને પોલીસને અપીલ કરી છે કે તાત્કાલિક આ પ્રવાહીને રોડ પરથી દૂર કરવામાં આવે અને જે વાહને આ જોખમી પ્રવાહી ઢોળ્યું છે તેની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે જેથી મોટો અકસ્માત થતો અટકી શકે.


  • Follow us on: