રાજસ્થાનમાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ધનસુરા તાલુકાના રૂઘનાથપુરા ગામના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત નીપજ્યા છે. આ તમામ શ્રદ્ધાળુઓ રણુજાની બાધા પૂરી કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમનો ટેમ્પો ટ્રક સાથે અથડાતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.


રાજસ્થાનમાં અકસ્માતમાં 6 ગુજરાતીઓના મોત

આ અકસ્માત ટેમ્પો અને ટ્રક વચ્ચે થયો હતો, જેમાં કુલ 6 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. મૃત્યુ પામનારાઓમાં ધનસુરાના રૂઘનાથપુરા ગામના ચાર લોકોનો સમાવેશ થાય છે. જેમાં એક માતા-પુત્રી અને પિતરાઈ બે બહેનોના મોત થતાં ગામમાં શોકનો માહોલ છવાયો છે. ગામના પરિવારમાં 6 દીકરીઓ પર દીકરો થયો હતો, જેની બાધા પૂરી કરવા માટે પરિવારના આશરે 20 લોકોનો સમૂહ રણુજા જઈ રહ્યો હતો.

ગામમાં શોકનો માહોલ છવાયો

આ દુર્ઘટના બાદ રૂઘનાથપુરા ગામના ચાર મૃતદેહોને વતનમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં એકસાથે ચાર અર્થીઓ ઉઠતાં સમગ્ર ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.સૌથી મહત્ત્વની વાત એ છે કે, જે દીકરાની બાધા પૂરી કરવા માટે આ શ્રદ્ધાળુઓ જઈ રહ્યા હતા, તે દીકરાનો આબાદ બચાવ થયો છે. જ્યારે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા બાકીના લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સમગ્ર રૂઘનાથપુરા ગામમાં આ કરૂણ ઘટનાના પગલે શોકનો માહોલ છવાયો છે.

  • Follow us on: