પવિત્ર ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ઉત્તર ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ શામળાજી ખાતે ભક્તિનો અનોખો મહાસાગર છલકાયો છે.
શામળિયા જગતના કલ્યાણકારી ગુરુ
'કૃષ્ણં વંદે જગદ્ગુરુમ્'ના ભાવ સાથે ભગવાન શામળિયાને જગતના કલ્યાણકારી ગુરુ માનીને વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસર ભક્તોના જયઘોષ અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.

રેશમી વાઘા ભગવાનને પરિધાન
આજના પવિત્ર દિવસે ભગવાન શામળિયાને અત્યંત દિવ્ય અને વિશેષ શણગાર ધરાવવામાં આવ્યો છે. ખાસ કારીગરો દ્વારા મનોહર ડિઝાઇનમાં તૈયાર કરવામાં આવેલા રેશમી વાઘા ભગવાનને પરિધાન કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઠાકોરજીને હીરા જડિત ભવ્ય મુગટ અને સોનાના પવિત્ર આભૂષણોથી સજ્જ કરવામાં આવતા શામળિયાનું રૂપ અત્યંત નયનરમ્ય અને મનમોહક દેખાઈ રહ્યું હતું.

ભક્તોની લાંબી લાંબી
દાદાના આ અલૌકિક અને દિવ્ય સ્વરૂપના એક દર્શન પામીને ધન્યતા અનુભવવા માટે ભક્તોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ યાત્રાળુઓ સરળતાથી અને સુચારૂ રૂપે દર્શન કરી શકે તે માટે સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ તત્ત્વ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા અને ભગવાન શામળિયાના આશીર્વાદ મેળવવા માટે સમગ્ર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું.
આ પણ વાંચો : Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?