ગુજરાત (Gujarat) ની પવિત્ર અને સાંસ્કૃતિક ધરતી પર આવેલા ઐતિહાસિક સ્થળો અને ધાર્મિક ધામો સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. અરવલ્લી (Aravalli) જિલ્લામાં આવેલું અંદાજે 1500 વર્ષ (1500 Years) પ્રાચીન અને ભવ્ય શામળાજી મંદિર (Shamlaji Temple) શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે. આ પૌરાણિક મંદિરના ઇતિહાસ અને ભવ્યતામાં વધુ એક સુવર્ણ અધ્યાય જોડાઈ ગયો છે, કેમ કે શામળાજી મંદિરનું નામ પ્રતિષ્ઠિત 'વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ' (World Record of Excellence) માં અધિકૃત રીતે રજિસ્ટર કરવામાં આવ્યું છે.
જ્યુરી ટીમના સઘન વેરિફિકેશન બાદ એનાયત કરાયું સર્ટિફિકેટ
મંદિરના પૌરાણિક મહત્વ, સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસાને ધ્યાનમાં રાખીને આ વૈશ્વિક રેકોર્ડ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વિશેષ જ્યુરી ટીમ (Jury Team) દ્વારા તમામ પાસાઓની ચકાસણી અને સંપૂર્ણ વેરિફિકેશન (Verification) કર્યા બાદ આ સન્માન માટે મંદિરની પસંદગી કરવામાં આવી હતી. આ અવસરે વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સના વાઇસ પ્રેસિડેન્ટ સંજય પંજવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે શામળાજી મંદિરના પવિત્ર પ્રાંગણમાં જઈને આ સન્માનપત્ર અર્પણ કર્યું હતું. મંદિર ટ્રસ્ટના વાઇસ પ્રેસિડેન્ટ રણવીરસિંહજી દ્વારા આ ગૌરવવંતુ સર્ટિફિકેટ સ્વીકારવામાં આવ્યું હતું.
