અરવલ્લી જિલ્લાના જગપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આગામી પવિત્ર તહેવારોને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં એક વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી 21 નવેમ્બરના રોજ યોજાનાર ભવ્ય તુલસી વિવાહ અંગેની વિસ્તૃત માહિતી જાહેર કરવામાં આવી હતી. ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે દેવઉઠી એકાદશી અને તુલસી વિવાહના આ પર્વ નિમિત્તે શામળાજી મંદિરમાં અદ્ભુત ધાર્મિક માહોલ જોવા મળશે અને હજારો ભક્તો આ અલૌકિક વિવાહના સાક્ષી બનશે.
ભગવાન શામળિયાને ધરાવાશે 6 કરોડનો મુગટ
આ પત્રકાર પરિષદમાં સૌથી મોટા આકર્ષણ તરીકે એ વાત સામે આવી છે કે તુલસી વિવાહના પાવન અવસરે ભગવાન શામળિયાને આશરે 6 કરોડ રૂપિયાની કિંમતનો ભવ્ય અને આકર્ષક મુગટ ધરાવવામાં આવશે, જે દર્શનેા માટે શ્રદ્ધાળુઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બનશે. તુલસી વિવાહને ધ્યાનમાં રાખીને સમગ્ર શામળાજી મંદિર પરિસરમાં ભવ્ય રોશની (લાઈટિંગ) કરવામાં આવશે તેમજ શાસ્ત્રોક્ત વિધિ મુજબ મંડપ રોપવાની વિધિ સંપન્ન થશે. વર પક્ષ અને વધુ પક્ષ તરફથી ઉત્સાહભેર મામેરું ભરવા અને વિવાહના તમામ રિવાજો ઊજવવાની અનોખી તૈયારીઓ કરવામાં આવી છે.
