દિવાળીના તહેવારો નજીક આવતા જ અરવલ્લી જિલ્લા પોલીસે રાજ્યમાં દારૂબંધી અને નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. ગુજરાત-રાજસ્થાનની સરહદ (બોર્ડર) પર સ્થિત અરવલ્લી જિલ્લામાં પોલીસે વિશેષ વ્યૂહરચનાના ભાગરૂપે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દિવાળીના તહેવાર દરમિયાન રાજસ્થાન તરફથી દારૂ અને અન્ય નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી વધી જતી હોય છે. આ પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા માટે અરવલ્લી પોલીસે જિલ્લાના બોર્ડર વિસ્તારમાં 20 જેટલી કાયમી અને અસ્થાયી ચેકપોસ્ટ સ્થાપીને દરેક વાહનની કડક તપાસ શરૂ કરી છે.



9 કરોડના નશીલા પદાર્થો ઝડપ્યા

અરવલ્લી પોલીસની આ સક્રિયતાના પરિણામો પણ પ્રભાવશાળી રહ્યા છે. પોલીસે છેલ્લા 50 દિવસોમાં જ બોર્ડર વિસ્તારોમાં સઘન ચેકિંગ કરીને આશરે 9 કરોડ રૂપિયાના નશીલા પદાર્થોનો વ્યાપક જથ્થો ઝડપી પાડ્યો છે.ઝડપાયેલા જથ્થામાં વિદેશી દારૂ ઉપરાંત ચરસ અને ગાંજા જેવા પ્રતિબંધિત નશીલા પદાર્થોનો પણ સમાવેશ થાય છે. આ જથ્થો પકડાતા સ્પષ્ટ થાય છે કે, તહેવારોના બહાને બોર્ડર વિસ્તારમાંથી નશીલા પદાર્થોની મોટા પાયે ઘૂસણખોરીના પ્રયાસો થઈ રહ્યા છે.

ગુજરાત-રાજસ્થાનના બોર્ડર કડક તપાસ

પોલીસે આ હેરાફેરીને ડામવા માટે અધિકારીઓની વિવિધ ટીમો બનાવી છે, જે સતત બોર્ડર વિસ્તારોમાં પેટ્રોલીંગ અને કડક વાહન તપાસ કરી રહી છે. અરવલ્લી પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરો અને નશીલા પદાર્થોના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા લોકોને પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે માહિતી હોય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

  • Follow us on: