કાંકરેજ તાલુકામાં હાલ યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ખેતી કામગીરીમાં થતી મુશ્કેલીઓ વધવા લાગી છે. કાંકરેજના મુખ્ય મથક શિહોરી સહીત પંથકના વિવિધ વિસ્તારોમાં ખાતર મેળવવા ખેડૂતોને લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે છે. તેમ છતાં પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી રહી છે.
વાવણી અને પાક વિકાસના તબક્કામાં યુરીયા ખાતર જરૂરી છે. પરંતુ તંત્ર અને સહકારી મંડળીઓ તરફ્થી યોગ્ય પુરવઠો ન થવાથી ખેડૂતોને દુકાનેથી દુકાને ચક્કર લગાવવા પડી રહ્યા છે. અનેક ખેડૂતોનું કહેવું છે કે ખાતર જેને યોગ્ય સમયે આપવામાં આવે, તે જ પાકને લાભ આપે. અછત અને મોડું પ્રાપ્ત થવાથી પાકની વૃદ્ધિ અને ઉત્પાદનમાં ગંભીર અસર પડી શકે છે.










