શક્તિધામ અંબાજીમાં લાખોમાં ભક્તોની શ્રદ્ધા ભક્તિ અને આસ્થાના મહાન પર્વ સમાન ભાદરવી પૂનમના સાત દિવસના મહાન મેળાનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજે તારીખ 20 થી 26 સપ્ટેમ્બર સુધી સાત દિવસ ચાલનારા આ મહા મેળા ને લઈ અંબાજી ધામમાં ભક્તિમય માહોલ છવાયો છે . આયો ભાદરવો આયો મેળો અંબે માતનો જેવા ગુંજતા નાદ વચ્ચે લાખો યાત્રિકોને આવકારવા અંબાજી સજ્જ બની થનગની રહ્યું છે.
માર્ગો દિવ્ય અને ભવ્ય રોશનીથી ઝળહળતા કરાયા
મેળાના વિધિવત પ્રારંભ પ્રસંગે કલેક્ટર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં મા અંબાનું વિશેષ પૂજન અર્ચન કરી અંબાજી પ્રવેશદ્વાર રથો અને સંઘોના યાત્રિકોનું અભિવાદન કરી મહા મેળાનો પ્રારંભ કરાશે. ભાદરવી પૂનમ મહા મેળામાં આવનાર લાખો પદયાત્રીકોની સુખ સુવિધા સુરક્ષા અને વ્યવસ્થાને લઈ વિવિધ સરકારી વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા એક્શન પ્લાન મુજબની કામગીરીનો પણ પ્રારંભ થશે.અંબાજી સહિત મા અંબાના મૂળ સ્થાન ગબ્બર સુધી દિવ્ય અને ભવ્ય રોશનીઓ ઝળહળાટ કરવામાં આવ્યો છે.મહામેળાને વધાવવા અંબાજી મંદિર સહિતના માર્ગો દિવ્ય અને ભવ્ય રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યા છે.
30 લાખથી વધુ યાત્રિકો ઉમટવાની સંભાવના
આજથી પ્રારંભ થનાર સાત દિવસના મહા મેળામાં ગુજરાત રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી 30 લાખથી વધુ યાત્રિકો ઉમટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે શક્તિની આરાધનાના પવિત્ર નવરાત્રી પર્વમાં પોતાના ધામમાં પધારવા માં અંબાને આમંત્રણ આપવા હજારો લાખો ભક્તો કઠિન પદયાત્રા કરીને અંબાજી પહોંચે છે. બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે આવતા પદયાત્રીકોની શ્રદ્ધા અને આસ્થા અંબાજીના માર્ગો પર સાત દિવસ સુધી જોવા મળશે.અંબાજીમાં યોજાનાર સાત દિવસના મહા મેળામાં લાખો પદયાત્રીકો ઉમટવાના હોય પોલીસ તંત્ર દ્વારા વિવિધ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અંબાજી ભાદરવી મહાકુંભને લઈને પોલીસ તંત્ર સજ્જ
બનાસકાંઠાના અંબાજી ભાદરવી મહાકુંભને લઈને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે.મહામેળામાં 2 SP,25 DYSP,17 PI,120 PSI સહિત 6 હજાર પોલીસ જવાનો ખડેપગે રહેશે. મેળા દરમિયાન સમગ્ર પોલીસ સ્ટાફને 10 સેક્ટર ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. 600થી વધુ CCTV કેમેરા અને બોડી વોર્ન કેમેરાથી મેળા પર બાજ નજર રાખવામાં આવશે. પગપાળા આવતા ભક્તોની મદદ માટે 63 પોલીસ સહાયતા કેન્દ્રો કાર્યરત રહેશે, જ્યારે પહાડી વિસ્તારમાં ઘોડેસવાર પોલીસ પણ તૈનાત રહેશે.
આ પણ વાંચોઃ Gujarat Latest News Live: રાજ્યમાં મોન્સૂન ટ્રફ સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી