ગુજરાતમાં અષાઢી મહિનાના આરંભ સાથે તહેવારો અને ખાસ દિવસની ઉજવણીની શરૂઆત થાય છે. રથયાત્રા બાદ આજે રાજ્યભરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે. યાત્રાધામ અંબાજીમાં પણ આ ખાસ દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. આજે ગુરુપૂર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા. વહેલી સવારથી મંદિરમાં ભક્તોની લાંબી કતાર જોવા મળી. ગુરુપૂર્ણિમાના દિવસે દર વર્ષે અંબાજી મંદિરના ચાચરચોકમાં ગાદીપતિને ગુરુ માની ભક્તો દ્વારા પૂજન કરવામાં આવતું હોય છે.


[[$googlead]]

સવારથી મંદિરમાં ભક્તોની લાંબી કતારો

ગુરુપૂર્ણિમાના દિવસે સૌ પ્રથમ ગુરુ એટલે માતા. આ ઉક્તિને ચરિતાર્થ કરવા યાત્રાધામ અંબાજીમાં માતાજીના આર્શીવાદ લેવા મંદિરમાં ભક્તોની લાંબી લાઈન જોવા મળે છે. મંદિરમાં સવારે છ વાગ્યે થતી મંગળા આરતીનો લહાવો લેવા મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા. આજે અંબાજી મંદિરમાં ભોલેનાથ અને માતાજીની આરતી એક સાથે કરવામાં આવી. અંબાજી મંદિર બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું.

[[$alsoread]]

મંદિરને રંગબેરંગી ફૂલોથી કરાયો શણગાર

અંબાજી મંદિરને પૂનમના દિવસે રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના દાતામાં આવેલ યાત્રાધામ અંબાજી મંદિરની દેશનાં 51 શક્તિપીઠમાં ગણના થાય છે. અંબાજી મંદિર ઉપર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં ગુરુપૂર્ણિમાં ઉપરાંત ભાદરવા પૂનમના દિવસે પણ શાનદાર ઉજવણી થતી હોય છે. ભક્તો પોતાના મનોકામના પૂર્ણ કરવા દર મહિનાની પૂનમે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.

  • Follow us on: