સરહદી ધાનેરા તાલુકાના એટા ગામની દીકરીઓએ ફરી એકવાર બનાસકાંઠા જિલ્લા અને ધાનેરાનું નામ રમતગમતની દુનિયામાં રોશન કર્યું છે. તાજેતરમાં યોજાયેલા જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં એટા પ્રાથમિક શાળાની દીકરીઓએ ખો-ખોની રમતમાં બીજો ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ ટીમમાંથી પાંચ જેટલી દીકરીઓએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં સ્થાન મેળવ્યું છે, જે તેમની ઉત્કૃષ્ટ પ્રતિભા અને સખત મહેનતનું પરિણામ છે. રાજસ્થાનની સરહદ પર આવેલું એટા ગામ ગ્રામીણ વિસ્તારનું છે, જ્યાં રમતગમત માટે આધુનિક સુવિધાઓ અને હેલ્ધી ખોરાકની વ્યવસ્થા સરળતાથી ઉપલબ્ધ નથી.
જોકે, આ દીકરીઓએ સુવિધાઓની ચિંતા કર્યા વિના પોતાની ગ્રામીણ તાકાત અને મનોબળથી જિલ્લા કક્ષાથી રાજ્ય કક્ષા સુધીનો પ્રવાસ ખેડયો છે. એટા પ્રાથમિક શાળાના શિક્ષકોની નિષ્ઠા આ સફ્ળતાનું મૂળ છે. શિક્ષકો શાળા સમય પહેલા અને પછી નિયમિતપણે ગ્રાઉન્ડ પર દીકરીઓને ખો-ખોની સઘન તાલીમ આપે છે. શિક્ષક ગમનસિંહના જણાવ્યા અનુસાર, શ્અંતરિયાળ અને પાણી વગરના ગામમાંથી આવતી દીકરીઓએ શાળા અને ગામનું કદ વધાર્યું છે, જે સમગ્ર શાળા પરિવાર અને તાલુકા માટે ગૌરવની વાત છે. આ ઉપરાંત જિલ્લાકક્ષાએ પસંદગી પામેલી વિજેતા દીકરીઓને રૂ. 24,000નું રોકડ ઇનામ મળ્યું છે. આ ઉપરાંત, ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના ચેરમેન( પ્રમુખ) ઈશ્વરભાઈ ચૌધરી અને થાવર અનુપમ શાળાના આચાર્ય ઈશ્વરભાઈએ દીકરીઓ મેદાનમાં યોગ્ય રીતે પ્રેક્ટિસ કરી શકે તે માટે તેમને સ્પોર્ટ્સ શૂઝ ભેટ આપી તેમનું મનોબળ મજબૂત કર્યું હતું.










