બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલા ખારા ગામમાં સર્પદંશની એક ચિંતાજનક ઘટના સામે આવી છે. ગામની સીમમાં આવેલા ખેતરમાં દૈનિક ખેતીકામ કરી રહેલી 52 વર્ષીય મહિલાને અચાનક ઝેરી સાપે ડંખ માર્યો હતો. ખેતરમાં કામ કરતી વખતે અચાનક જ સાપે હુમલો કરી દેતાં મહિલા ચીસ પાડી ઉઠી હતી. સાપ કરડ્યાની જાણ થતાં જ આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
સ્થિતિ લથડતાં તાત્કાલિક ઈકબાલગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
સાપના ડંખના કારણે શરીર પર ઝેરની અસર વર્તાવા લાગતાં મહિલાની શારીરિક સ્થિતિ ઝડપથી લથડવા લાગી હતી. પરિસ્થિતિની ગંભીરતા જોઈને પરિવારજનોમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. પરિવારજનોએ સમય ગુમાવ્યા વિના ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક અસરથી વધુ અને યોગ્ય સારવાર અર્થે નજીકમાં આવેલા ઈકબાલગઢ શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તબીબો દ્વારા સર્પદંશની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
