ડીસા તાલુકામાં વરસેલા ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયું છે. બાઈવાડા ગામ આ વરસાદનો સૌથી મોટો ભોગ બન્યું છે, જ્યાં ચોતરફ પાણી ભરાઈ જતાં ગામ બેટમાં ફેરવાયું છે.


ગામમાં પ્રવેશવાનો એકમાત્ર રસ્તો બંધ

મહત્વનું છે કે, ગામમાં પ્રવેશવાનો એકમાત્ર રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સ્થાનિકોનું અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે. પરિણામે, ગ્રામજનોનો બાહ્ય વિશ્વ સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. ગામની શાળાઓ, ડેરીઓ અને અનેક ઘરો પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે બાળકોના શિક્ષણથી માંડીને દૈનિક જરૂરિયાતની વસ્તુઓ મેળવવામાં પણ અતિશય મુશ્કેલી પડી રહી છે. આ પરિસ્થિતિથી સૌથી વધુ પ્રભાવિત પશુપાલકો અને ખેડૂતો થયા છે.

ખેડૂતોને ભારે નુકસાન

ખેતરોમાં પાણી ભરાઈ જતાં ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે, જ્યારે પશુઓને ચારો અને પાણી મેળવવામાં પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે સર્જાયેલી આ સ્થિતિ સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ક્રિયતા પર સવાલ ઉભા કરે છે. તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરી, ગ્રામજનોને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા અત્યંત આવશ્યક છે. જો તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી નહીં કરવામાં આવે તો બાઈવાડા ગામમાં સ્થિતિ વધુ વણસી શકે છે અને ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.


  • Follow us on: