બનાસકાંઠાના અમીરગઢ સ્થિત ઇકબાલગઢ પાસે આવેલા બનાસ નદી પરના બ્રિજને ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. આ નિર્ણય સંદેશ ન્યૂઝના અહેવાલની સીધી અસરરૂપે જોવામાં આવી રહ્યો છે. આ અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.
ભારે વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા
તમને જણાવી દઈએ કે, હવેથી, ઇકબાલગઢ બનાસ નદીનો બ્રિજ તમામ ભારે વાહનો માટે બંધ રહેશે. ભારે વાહનોને સરોત્રા ગામ તરફથી વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી આ બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો માટેનો ભય ટળ્યો છે. બ્રિજની ખરાબ હાલતના કારણે સ્થાનિકો પણ રોષે ભરાયા હતા.
36 વર્ષ જૂનો છે બ્રિજ
મહત્વનું છે કે, આ બનાસ નદી પરનો બ્રિજ વર્ષ 1988 માં બનાવવામાં આવ્યો હતો. 36 વર્ષ જૂનો આ બ્રિજ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો અને સ્થાનિકો દ્વારા રિપેરિંગની માંગ પણ કરવામાં આવી રહી હતી. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ લેવાયેલા આ પગલાંને સ્થાનિક લોકોએ આવકાર્યા છે.









