બનાસકાંઠાના થરાદમાં વરસાદ બંધ થયાના 41 દિવસ પછી પણ સ્થાનિકોને હાલાકી પડી રહી છે, દોઢ મહિના જેટલો સમય વિતવા છતા પાણી ન ઓસર્યા અને શેણલનગર સોસાયટી પાસે હજુ પાણી પાણી ભરાયેલા છે, નરસિંહનગર પ્રાથમિક શાળા નજીક વરસાદી પાણી ભરેલા છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, તંત્રને અને ધારાસભ્યને વારંવાર રજૂઆત કરી તેમ છત્તા નિરાકરણ આવતું નથી.
વરસાદની સાથે ગટરના પાણી પણ ભરાયા
અનેક મંદિરોના ગેટ આગળ પાણી ભરાયેલા રહેતા સ્થાનિકોને હાલાકી પડી છે, વરસાદી પાણી સાથે ગટરના પાણી આવતા ભારે હાલાકી પડી રહી છે, સ્થાનિકોનું કહેવું છે કે, ઘરની અંદર પણ ગટરના પાણીની દુર્ગંધ આવે છે અને ઘરની બહાર પણ નિકળવું મુશ્કેલ થઈ રહ્યું છે, વારંવાર રજૂઆત કરી છે નગરપાલિકાને તેમ છત્તા કોઈ ધ્યાન આપતું નથી અને તેના કારણે આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, નવા બનેલા મંત્રી સાહેબ જુઓ તમારા જિલ્લાના સ્થાનિકોને વરસાદના અને ગટરના પાણીની કેવી સમસ્યા છે.
થરાદ શહેરમાં હજી પણ ભરાયા છે વરસાદી પાણી
થરાદ શહેરમાં 41 દિવસ પહેલા વરસેલા વરસાદના વરસાદી પાણીની હાલાકી આજે પણ યથાવત છે, દોઢ મહિના જેટલો સમય વિતવા આવ્યો હતો અને આફતરૂપી વરસાદ વરસ્યો હતો તેમ છતાં થરાદના શેણલ નગર સોસાયટી અને નરસિંહ નગર પ્રાથમિક શાળા નજીક આજે પાણી ભરેલા જોવા મળે છે. મંદિરોના મુખ્ય ગેટ આગળ જ પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકો 41 દિવસથી મંદિરે દર્શન કરવા જઈ શકયા નથી તેવો આક્ષેપ છે. વરસાદ પાણીના નિકાલ ની કામગીરી શરૂ છે તેની સામે ગટરનું પાણી આવે છે જેથી પરિસ્થિતિ જેવી છે તેવી જ છે.
સ્થાનિકોને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે
સ્થાનિકોનું કહેવું છે કે, ગટરના પાણી ભરાઈ રહ્યાં છે જેના કારણે રોગચાળો ફેલાય તેવી શકયતાઓ રહેલી છે, સાથે સાથે નવા બનેલા મંત્રીઓ તેમજ જિલ્લાના ધારાસભ્યો જુઓ આ સ્થિતિ કેવી છે, જો તમારા ઘર આગળ આવું થયું હોય તો તમે ચલાવી લો ! જે લોકોએ તમને ખોબલેને ખોબલે મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે તે લોકોની સ્થિતિ પર તો નજર રાખો.









