આગામી તારીખ 13 ડિસેમ્બર 2025ના રોજ રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ, પાલનપુરના ઉપક્રમે બનાસકાંઠા જિલ્લાની તમામ તાલુકા કોર્ટમાં વર્ષ 2025 ની ચોથી નેશનલ લોક અદાલતનું આયોજન કુ.શુભદા બક્ષી, અધ્યક્ષ અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ, બનાસકાંઠા-પાલનપુરની અધ્યક્ષતા હેઠળ કરાશે.


આ લોક અદાલતમાં નાગરિકો સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટને લગતા કેસો, બેંકને લગતા દાવા, વાહન અકસ્માત વળતરને લગતા દાવા, લગ્ન જીવનની તકરારને લગતા કેસો, મજદુર તકરારને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસો, પાણી તેમજ વીજળીને લગતા કેસો, મહેસુલી દાવા તથા દીવાની તકરારના દાવા સમાધાન માટે મુકી શકશે. જે કોઈપણ પક્ષકારોને તેમના સમાધાન પાત્ર કેસ સમાધાન માટે મુકવા માંગતા હોય, તેઓએ જાતે અથવા તેમના એડવોકેટ મારફતે તેમના કેસની વિગત સહિત સંબંધિત કોર્ટનો સંપર્ક કરવાનો રહેશે.

આ માટે હેડ કલાર્ક, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ન્યાય સંકુલના ભોયરા, જોરાવર પેલેસ, પાલનપુર, ટેલીફોન નંબર 02742-261495 ના સરનામે સંપર્ક કરવાનો રહેશે. તાલુકામાં કોર્ટના કેસો માટે જે તે તાલુકા કોર્ટનો સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ પાલનપુરના સચિવ કે.કે.પટેલ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.


  • Follow us on: