દિવાળીના તહેવારો નજીક આવતા જ ભાભર વિસ્તારમાં ઠગ અને ગઠિયા ટોળકી ફરી સક્રિય થઈ ગઈ છે. ભાભરની SBI બેંકમાંથી પાક ધિરાણના પૈસા લઈને નીકળેલા નેસડા ગામના એક ખેડૂતની નજર ચૂકવીને એક ગઠિયો ₹2.40 લાખની રોકડ ભરેલી થેલી ઉઠાવીને ફરાર થઈ ગયો હતો, જેના કારણે ચકચાર મચી ગઈ છે.
બેંકમાંથી પૈસા ઉપાડીને બહાર બેઠા અને બન્યા શિકાર
ભાભર તાલુકાના નેસડા ગામના ખેડૂત મફાભાઈ લવજીભાઈ પ્રજાપતિ ભાભરમાં આવેલી SBI બેંકની શાખામાં પોતાના પાક ધિરાણના પૈસા ઉપાડવા આવ્યા હતા. બેંકમાંથી ₹2.40 લાખની રકમ લઈને તેઓ બહાર નીકળ્યા હતા. ત્યારબાદ મફાભાઈ ભાભર-વાવ રોડ પર આવેલી એક સંબંધની દુકાને બેઠા હતા અને પૈસા ભરેલી થેલી પોતાની બાજુમાં મૂકી હતી. આ જ સમયે એક અજાણ્યો યુવાન ત્યાં આવ્યો અને કોઈક રીતે ખેડૂતની નજર ચૂકવીને પૈસા ભરેલી થેલી લઈને પળવારમાં ફરાર થઈ ગયો હતો.
પોલીસ તપાસ શરૂ
ખેડૂતને છેતરાયાની જાણ થતાં જ તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. તહેવારોના સમયે જ મહેનતથી મળેલા પૈસા ગુમાવતા તેમણે તુરંત આ બાબતની જાણ ભાભર પોલીસને કરી હતી. ભાભર પોલીસે ખેડૂત મફાભાઈ પ્રજાપતિની અરજીના આધારે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે બેંકની આસપાસના અને દુકાનના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસીને તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ગઠિયા ટોળકીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.