બનાસકાંઠાના માલગઢ ગામના પૂર્વ સરપંચ અને ડીસાના જાણીતા બટાકાના વેપારી કુંદનલાલ કચ્છવાના આત્મહત્યાના પ્રયાસના મામલે આખરે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લમણે ગોળી મારીને આપઘાતનો પ્રયાસ કરનાર કુંદનલાલ કચ્છવાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, જેને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


બનાસકાંઠામાં પૂર્વ સરપંચ-વેપારીનું મોત

ગઈકાલે ગોળી વાગ્યા બાદ કુંદનલાલ સારવાર હેઠળ હતા, પરંતુ આજે તેમનું મોત થતાં મામલો વધુ ગંભીર બન્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મૃતક વેપારીના કોલ્ડ સ્ટોરેજ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. જોકે, મૃતક કુંદનલાલ કચ્છવા પાસેથી એક સ્યુસાઇડ નોટ (ચિઠ્ઠી) મળી આવી છે, જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ચિઠ્ઠીમાં ધમકી અને માનસિક ત્રાસનો ઉલ્લેખ

પૂર્વ સરપંચ કુંદનલાલ કચ્છવા પાસેથી મળેલી ચિઠ્ઠીમાં આત્મહત્યા કરવા પાછળનું ગંભીર કારણ સામે આવ્યું છે. ચિઠ્ઠીમાં ઉલ્લેખ છે કે મૃતક દ્વારા ઉમિયાજી કોલ્ડ સ્ટોરેજ પર દાવો દાખલ કરવામાં આવ્યો હતો, જેના પગલે તેમને ધમકીઓ અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.આ ચિઠ્ઠીમાં કેટલાક ચોક્કસ વ્યક્તિઓના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં ડો. સુરેશ લચ્છાજી માળી, દેવીન સુરેશ માળી, ઉર્મિલા દેવીન, અને સરિતાના નામો સામેલ છે. મૃતકે ચિઠ્ઠીમાં સ્પષ્ટ જણાવ્યું છે કે આ તમામ લોકો દ્વારા આપવામાં આવતી ધમકીઓ અને માનસિક ત્રાસના કારણે તેઓ આપઘાત કરવા મજબૂર બન્યા છે. પોલીસે આ ગંભીર સ્યુસાઇડ નોટને કબ્જે કરીને આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસે મૃતકના મોત બાદ ધમકી આપનાર અને માનસિક ત્રાસ આપવાના આક્ષેપોની સઘન તપાસ શરૂ કરી છે.

  • Follow us on: