વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજની ઘટના બાદ સરકારે નાના અને મોટા બ્રિજોની મરામત અંગે આદેશ કર્યો હતો. પરંતુ નવો બનાવેલો પુલ માત્ર 6 મહિનામાં જ જર્જરિત થતાં તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. થરાદના મેઘપુરામાં 6 મહિના પહેલા બનાવેલા પુલનો નીચેનો ભાગ તૂટ્યો હોવાથી સ્થાનિક લોકોએ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતાં.
6 મહિના પહેલા બનાવેલા પુલનો નીચેનો ભાગ તૂટ્યો
થરાદના મેઘપુરા નજીક સુજલામ સુફલામ કેનાલ પર બનાવેલો નવો પુલ જર્જરીત બન્યો છે.કેનાલમાં પાણી છોડે તે પહેલા પુલને ઠેર ઠેર તિરાડો પડતા કોન્ટ્રાક્ટરની પોલ ખોલી ગઈ છે. પુલ પરથી લોકોને અવર જવર કરવામાં ભારે મૂશ્કેલી વેઠવી પડે છે. તંત્ર આ બાબતે સત્વરે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોની માગ છે.રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં થરાદ તાલુકા પંથકમાં જમીનમાં પાણીના તળ ઊંચા આવે તે હેતુસર સુજલામ સુફલામ કાચી કેનાલ બનાવવામાં આવી છે.મોટા મોટા તળાવ બનાવીને પાણી નાખવામાં આવ્યા છે.આ કાચી કેનાલ પર મેઘપુરા ગામ નજીક લોકોના અવરજવર માટે નવીન પુલ બનાવવામાં આવ્યો હતો.પુલમાં ઠેર ઠેર તિરાડો પડતા પુલના કામમાં ગેરરીતિ આચરાઈ હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો.
સ્થાનિક લોકોએ ભ્રષ્ટાચારના લગાવ્યા ગંભીર આક્ષેપ
કેનાલ પર પુલ બનાવ્યાને હજી 6 મહિના નથી થયા તેમજ પાણી છોડે તે પહેલા પુલમાં ઠેર તિરાડો જોવા મળતા કોન્ટ્રાક્ટરની પોલ ખુલી જવા પામી છે. આ બાબતે જવાબદાર અધિકારીઓ સત્વરે યોગ્ય પગલા ભરે તેવી સ્થાનિકોની માગ છે. મેઘપૂરા ગામના સરપંચના પતિ દોનાજી મકવાણાએ જણાવ્યુ હતું કે અમારા વિસ્તારમાં સુજલામ સુફલામ કાચી કેનાલ બનાવવામાં આવી છે.જે કેનાલ મેઘપુરા નજીકથી પસાર થઈ છે. જે કેનાલ પર પુલ બનાવવામાં આવ્યો છે તે પાણી છોડે તે પહેલા જ તુટી ગયો છે. આ પુલ પરથી પસાર થવાનો મુખ્ય રસ્તો છે. બાજુમાં થરા ગામ આવેલું છે તે ગ્રામજનો આ રસ્તેથી પસાર થાય છે અને લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે તો જવાબદાર તંત્ર આ પુલનું કામ સારી ગુણવત્તાથી કરવામાં આવે તેવી અમારી માંગ છે.