બોટાદ જિલ્લાના બરવાળામા નગરપાલીકા દ્વારા ઝબુબા હાઈસ્કુલની બાજુનાં મેદાનમાં બગીચો બનાવવાના પ્રયાસ સામે નગરજનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રમત ગમતના મેદાનને બચાવવા માટે શહેરના નાગરિકોએ શેરીએ શેરીએ આક્રોશ રેલી યોજી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.


મેદાનમાં બગીચો બનાવાનું પાલિકાનું આયોજન

બરવાળા નગરપાલિકા વિસ્તારમાં આવેલ ઝબુબા હાઈસ્કુલની બાજુમાં મેદાન વર્ષોથી રમત-ગમત, પોલીસ અને આર્મી ભરતીની તૈયારી તેમજ વિવિધ સરકારી કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે નગરપાલિકા અને ફોરેસ્ટ વિભાગ દ્વારા અહીં બગીચો બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, શહેરમાં રમત-ગમત માટે આ એકમાત્ર ખુલ્લું મેદાન છે, જેને બચાવવા માટે નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા છે. યુવાનો, ડોક્ટરો, વકીલો, વેપારીઓ, સમાજ સેવકો અને અન્ય નાગરિકોએ શેરીયોમાં 'મેદાન બચાવો'ના નારા સાથે આક્રોશ રેલી યોજી હતી. શહેરનાં નાગરિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર બગીચાની જગ્યા બદલવાનો નિર્ણય નહીં કરે, તો ભવિષ્યમાં ભૂખ હડતાળ સહિત ઉગ્ર આંદોલન કરશે.

ચીફ ઓફિસરે શું કહ્યું

બરવાળા નગરપાલીકા દ્વારા ઝબુબા હાઈસ્કુલ ની બાજુનાં ગ્રાઉન્ડ પર બગીચો બનાવવાના મામલે નાગરીકો દ્વારા વિરોધ પ્રદર્શનને લઈ ચીફ ઓફિસરે નિવેદન આપ્યું હતું. ચીફ ઓફિસરે જણાવ્યું કે બરવાળા નગરપાલીકામા મુખ્યમંત્રી ની ઉદ્યાન યોજના અંતર્ગત ચાર હજાર ચોરસ મીટર જમીનમાં ઉદ્યાન બનાવવા કલેકટર દ્વારા ફાળવણી કરેલ છે. આ જગ્યા પર જમીનની ફાળવણી કરતા પણ ૧૨ હજાર ચોરસ વાર જેટલી જગ્યા મેદાન માટે બાકી રહેલ છે. ત્યારે જરૂરી જગ્યા પર ગાર્ડન બનાવવામાં આવે તો નાગરિકોને મેદાનની સાથે ગાર્ડનનો પણ લાભ મળે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

  • Follow us on: