રાજ્ય સરકારે ટેકાના ભાવે કૃષિ પેદાશો વેચવા માટે ખેડૂતો પાસે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ સ્થળ પર વાવેતર ન હોવાના મેસેજ મળતાં સેટેલાઇટ ઇમેજ વેરિફિકેશનના કૃષિ વિભાગના દાવાઓની પોલ ખૂલી ગઇ છે.
એટલું જ નહીં કૃષિ વિભાગ ખેડૂતોના સર્વે નંબરોની સેટેલાઇટ ઇમેજ સરકારની કઇ એજન્સી લે છે તે બાબતે પણ મૌન સેવી લેતાં ખેડૂતોમાં શંકા-કુશંકાઓ જન્મી છે. જિલ્લાના ખેડૂતોમાં ભારે રોષ ફેલાઇ ગયો છે. દલાલોના બદલે ખેડૂતો પરેશાન થઇ રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
જિલ્લાના ખેડૂતોના આક્ષેપો પ્રમાણે તેઓ ડીઆઇએલઆર (ડીસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સ)ની કચેરીના ધક્કા ખાઇ ખાઇને થાકી ગયા છે. સર્વે નંબરોના નક્શામાં ફેરફાર, નામમાં ફેરફાર, જમીન રિસર્વે સહિતની અરજીઓનો નિકાલ થતો નથી. જે તે સમયે કરાવેલી સેટેલાઇટ મેપિંગની પોલ ખુલી ગયા બાદ ખેડૂતોની હેરાનગતિ વધી ગઇ છે. જિલ્લામાં હજુ પણ આ કામગીરી ચાલી રહી છે. ત્યારે સુત્રો મુજબ આ પ્રકારના અધૂરા ડેટાને આધાર બનાવીને કૃષિ વિભાગ ખેડૂતોની મુસીબતો વધારી રહ્યો છે. ટેકાના ભાવે મગફળી, સોયાબીન, અડદ સહિતના પાકો વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવનારા ખેડૂતોને તેમણે વાવેતર કર્યું ન હોવાના મેસેજ મળતાં અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાઇ ગયો છે.
મારી પાસે જાણકારી નથી : જોઇન્ટ ડાયરેક્ટર
આ અંગે ગાંધીનગર કૃષિ ભવનમાં બેસતા જોઇન્ટ ડાયરેક્ટર કક્ષાના અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરાયો હતો. ખેડૂતોએ કરેલા વાવેતરની સેટેલાઇટ ઇમેજ લેતી સરકારની એજન્સી કઇ છે ? આવી ઇમેજ લેતી વખતે ખેડૂતોના સર્વે નંબરોના ડેટાનો આધાર સરકારના ક્યા વિભાગ પાસેથી લીધો ? તેમણે જણાવ્યું કે આ કામગીરી અન્ય અધિકારી જુએ છે.
મારા ખેતરઃ મગફળીનું કરેલું વાવેતર આ રહ્યું, જોઇ લો !
બાયડ ગામમાં રહેતા ખેડૂતએ જણાવ્યું કે, પાંચ વીધામાં મગફળીનું વાવેતર કર્યું છે. રજીસ્ટ્રેશન કરાવ્યા પછી મેસેજ મળ્યો છે કે તમે મગફળીનું વાવેતર કર્યું નથી. હુ ખેતીવાડી વિભાગને કહેવા માગું છું કે, આવો અને જોઇ લો, મારા ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું છે કે નહીં