બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી ખાતે આસ્થાના મહાકુંભ સમાન પવિત્ર ભાદરવી પૂનમ મહામેળાનો આજે છઠ્ઠો દિવસ છે. માં અંબાના દર્શન માટે ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાંથી લાખો માઈભક્તો અંબાજી ધામ તરફ અવિરત પ્રવાહમાં આગળ વધી રહ્યા છે. સમગ્ર અંબાજી નગર અને મંદિર પરિસર 'જય અંબે' અને 'બોલ મારી અંબે જય જય અંબે' ના ગુંજતા નાદોથી પવિત્ર અને ભક્તિમય બની ગયું છે. દૂર-દૂરથી પદયાત્રા કરીને આવી રહેલા સંઘો અને શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં કોઈ ઓટ આવી નથી, અને ચારેય દિશામાં શ્રદ્ધાનું પૂર ઉમટ્યું છે.

પ્રથમ પાંચ દિવસમાં રેકોર્ડબ્રેક 34 લાખથી વધુ દર્શનાર્થીઓએ લીધા દર્શન

મેળાના આયોજન અને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભક્તોની ભીડ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. સત્તાવાર આંકડાઓ મુજબ, ભાદરવી પૂનમ મહામેળાના શરૂઆતના પાંચ દિવસોમાં જ 34 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને દર્શનનો લહાવો લીધો છે. છઠ્ઠા દિવસે પણ ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ, પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, જેથી દરેક ભક્તને સરળતાથી અને સુચારૂ રૂપે દર્શન થઈ શકે.

માઈભક્તોમાં અદભુત ઉત્સાહ અને સુરક્ષા-સેવાકીય સઘન વ્યવસ્થાઓ

અંબાજી આવતા લાખો પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ઠેર-ઠેર સેવા કેન્દ્રો, અન્નક્ષેત્રો, આરોગ્ય સુવિધાઓ અને પોલીસ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભક્તોની વધતી જતી સંખ્યાને લઈ સમગ્ર મેળામાં ઉત્સવનું અદભુત વાતાવરણ છવાયું છે. ભાદરવી પૂનમની મુખ્ય તિથિ નજીક આવી રહી છે તેમ તેમ ભક્તોનો ઉત્સાહ ચરમસીમા પર પહોંચી રહ્યો છે, અને લાખો શ્રદ્ધાળુઓ અંબાજી તરફ અવિરત કૂચ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Ahmedabadના ઢાલગરવાડમાં દુકાનમાં ઘૂસી ધમાલ! જૂની અદાવતમાં 5 શખ્સોનો હુમલો, મારામારી-તોડફોડ CCTVમાં કેદ