કચ્છભરમાં જલારામ બાપાની 226મી જન્મજયંતિની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. લોહાણા મહાજન દ્વારા વિવિધ તાલુકાઓમાં બાઇક રેલી, શોભાયાત્રા, નાટક સહિતનાં અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. વિવિધ જલારામ મંદિરોમાં પૂજા-અર્ચના, પાઠ, મહાપ્રસાદ સહિતનાં પણ કાર્યક્રમો યોજાશે. ભુજ, ગાંધીધામ, અંજાર, રાપર, નખત્રાણા સહિતનાં તાલુકાઓમાં તેમજ ખાવડા, નલિયામાં પણ ઉમંગભેર બાપાનાં પ્રાગટયનાં વધામણા કરાયા હતાં. જલારામ મંદિરોને ફૂલોથી શણગારવાની સાથે રોશનીથી ઝગમગાવવામાં આવ્યા હતી, તો લોહાણા સમાજનાં લોકોએ પોતાનાં રોજગાર ધંધા બંધ રાખીને ઉજવણીમાં સામેલ થયા હતાં.

હાંડલા ગરબી મિત્ર મંડળ દ્વારા પ્રસાદની વ્યવસ્થા કરાઇ


ભુજ ખાતે લોહાણા મહાજનનાં પ્રમુખ ડો. મુકેશ ચંદેનાં નેતૃત્વમાં સંત શિરોમણિ જલારામ બાપાની જન્મજયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દરિયાસ્થાન મંદિર ખાતે સવારે શાસ્ત્રોક્ત વિધીથી પૂજન કરવામાં આવ્યું હતું. બાદમાં દાતાનાં સન્માન કરાયા હતાં. હાંડલા ગરબી મિત્ર મંડળ દ્વારા પ્રસાદની વ્યવસ્થા કરાઇ હતી. આ સિવાય માધાપર, મિરઝાપર, સુખપર લોહાણા મહાજન, મુન્દ્રા રિલોકેશન સાઇટ, શિવકૃપાનગર, આરટીઓ રિલોકેશનમાં પણ જલારામ મંદિરમાં જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.




મહાપ્રસાદનો પણ કાર્યક્રમ યોજાયો


રવાણી ફળિયામાં બાપાદયાળુ ગ્રુપ દ્વારા સવારે જલારામ બાપાનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. સમગ્ર મંદિરને ફુલોનો શણગાર સજાવવામાં આવ્યો હતો તેમજ મહાપ્રસાદનો પણ કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે સાંજનાં સમયે સંગીતમય મહાઆરતીમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં. સાંજના સમયે લોહાણા મહાજન વાડી ખાતે પણ સમૂહ પ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.




સંગીતમય મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા


226મી જલારામ જયંતિની ઉજવણીનાં ભાગરૂપે ભુજ શહેરનાં રવાણી ફળિયામાં આવેલા જલારામ મંદિર ખાતે સવારે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. બાપાને ફૂલોનો શણગાર સજાવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડયા હતાં. તમામ દર્શનાર્થીઓને જલારામ બાપાનો સેવ-બુંદીનો પ્રસાદ અપાયો હતો. સાંજે સંગીતમય મહાઆરતી સાથે બાપાનાં પ્રાગટયનાં ઉમંગભેર વધામણા કરવામાં આવ્યા હતાં.

 શહેરમાં સ્થાનિકે જ મીની વિરપુર જેવો માહોલ સર્જાયો


બાપાદયાળુ ગ્રૂપનાં જયેશ સચદેએ જણાવ્યુ હતું કે, બાપાની જન્મજયંતિને ધ્યાને લઇને જલારામ મંદિર ખાતે બપોરનાં સમયે ખીચડી, કઢી અને રોટલાનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. મંદિર પાસે જ સવારથી જ રોટલા, ખીચડી, કઢી બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. સવારથી લઇને બપોર સુધી રોટલા બનાવીને લોકોને ગરમાગરમ પ્રસાદ જમાડવામાં આવ્યો હતો. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લેતાં સ્થાનિકે જ મીની વિરપુર જેવો માહોલ સર્જાયો હતો.
  • Follow us on: