દિવાળી અને નવા વર્ષના પવિત્ર તહેવારોની મોસમમાં જગત મંદિર દ્વારકા ખાતે દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે. શ્રદ્ધાળુઓ શાંતિથી અને વધુ સમય માટે ભગવાન શ્રીજીના દર્શનનો લ્હાવો લઈ શકે તે હેતુસર દ્વારકા જગત મંદિરમાં આગામી 15/11/2026 સુધી દર્શનના સમયમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યો છે. પુજારી પરિવાર અને મંદિર વહીવટી તંત્ર દ્વારા સંયુક્તપણે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન પડે અને તેઓ ઉત્સાહપૂર્વક દર્શન કરી શકે.
બપોર બાદ મંદિર સાંજે 5 ના બદલે 4 વાગ્યે ખુલશે
નવા સમયપત્રક મુજબ, આગામી 15 તારીખ સુધી દરરોજ સવારે મંગળા આરતી સવારે 6:30 કલાકે સંપન્ન થશે. આ ઉપરાંત, બપોરના સમયે વિરામ બાદ મંદિર ખૂલવાના સમયમાં પણ મોટો બદલાવ કરાયો છે, જેમાં હવે સાંજે 5 વાગ્યાને બદલે બપોરે 4 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જેથી વહેલા દર્શને આવતા ભક્તોને લાંબો સમય રાહ જોવી ન પડે. જોકે, આ ફેરફાર સિવાયના અન્ય તમામ દર્શન અને આરતીના નિત્યક્રમો રાબેતા મુજબ અગાઉની જેમ જ ચાલુ રહેશે.
