જૈન તીર્થધામ અને આસ્થાનું કેન્દ્ર બનેલા પ્રસિદ્ધ યાત્રાધામ મહુડી ખાતે કાળી ચૌદશના પવિત્ર પર્વ નિમિત્તે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાંથી લાખોની સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા માટે મહુડી ખાતે ઉમટી પડ્યા છે. પરંપરાગત માન્યતાઓ મુજબ મહુડી ખાતે આજે કાળી ચૌદશ ગણવામાં આવતી હોવાથી દર્શનનું વિશેષ આધ્યાત્મિક મહત્વ રહેલું છે. આ પર્વની શરૂઆત વહેલી સવારે ભગવાનની ભક્તિસભર પ્રક્ષાલ વિધિ પૂર્ણ કરીને કરવામાં આવી હતી, જેમાં પ્રભુને સોનાનું વરખ ચઢાવીને તેમનો દિવ્ય અને અલૌકિક શણગાર કરવામાં આવ્યો છે.
બપોરે 12:39 કલાકે હવનનો પ્રારંભ
મહુડીના આ પાવન ધામમાં કાળી ચૌદશના દિવસે યોજાનાર મહાહવનનું વિશેષ આકર્ષણ રહેલું છે. આજરોજ બપોરે 12:39 કલાકે વિધિવત રીતે હવનનો પ્રારંભ થશે. આ પવિત્ર અનુષ્ઠાન દરમિયાન 108 ઘંટના દિવ્ય રણકાર સાથે ઓમકાર નાદ ગુંજી ઉઠશે, જે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દેશે. આ ઉપરાંત, વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભક્તો દ્વારા દોરામાં 108 ગાંઠ મારવાની વિશેષ વિધિ પણ અકબંધ રાખવામાં આવી છે, જેનું શ્રદ્ધાળુઓમાં ખૂબ મોટું ધાર્મિક મહાત્મય માનવામાં આવે છે.
