અંકલેશ્વરમાં ફેક્ટરીઓમાં આગ લાગવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે વહેલી સવારે જ્યારે સમગ્ર પંથકમાં વરસાદી માહોલ હતો, ત્યારે અંકલેશ્વર GIDC સ્થિત શારદા સિન્થેટિક નામની કંપનીમાં અચાનક જ કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. સિન્થેટિક મટીરિયલ્સ અને કેમિકલ પ્રોસેસિંગના કારણે આગે મિનિટોમાં જ આખી ફેક્ટરીને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.
આકાશી ધુમાડાથી હાઇવે સુધી દ્રશ્યો દેખાયા
આગ એટલી પ્રચંડ હતી કે તેની જ્વાળાઓ અને કાળા ડીબાંગ ધુમાડાના ગોટેગોટા કેટલાય કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા, જેના કારણે આસપાસની અન્ય કંપનીઓના મેનેજમેન્ટ અને શ્રમિકોમાં પણ ચિંતાની લાગણી ફેલાઈ ગઈ હતી. ફેક્ટરીની અંદર હાજર સિક્યોરિટી અને વહેલી સવારની શિફ્ટના કર્મચારીઓએ તુરંત જ બૂમાબૂમ કરી બહાર દોટ મૂકી હતી અને અંકલેશ્વર ફાયર સ્ટેશનને આપાતકાલીન કોલ કર્યો હતો.










