ભરૂચ શહેર વિભાગીય પોલીસ દ્વારા આગામી દિવસોમાં આવી રહેલા ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારોને અનુલક્ષીને શહેરના એ,બી અને સી ડિવિઝન પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠક પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે યોજાઈ હતી. જેમાં ત્રણેય પોલીસ મથકના અધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


ભરૂચ શહેરમાં આગામી ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારોની ઉજવણી શાંતિપુર્ણ માહોલમાં ઉજવાય તે માટે શહેર વિભાગીય પોલીસ દ્વારા જિલ્લા પોલીસવડાની કચેરી નજીક તાલીમ કેન્દ્ર ખાતે ભરૂચ શહેરના ડીવાયએસપી સી.કે.પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયુ હતુ. જેમાં ભરૂચ ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, સનાતન હિંદુ ઉત્સવ સમિતિના પ્રમુખ પ્રકાશ કાયસ્થ અને મુસ્લિમ અગ્રણી અબ્દુલ કામઠી સહિતના ગણેશ આયોજકો અને મુસ્લિમ સમાજના અગ્રણી હાજર રહ્યા હતા. બેઠકમાં બંને સમાજના પ્રતિનિધિએ સંકલ્પ લીધો કે તહેવારો શાંતિપુર્ણ વાતાવરણમાં અને પારસ્પરિક સૌહાર્દ સાથે ઉજવાશે. પોલીસ દ્વારા તહેવારમાં શહેરમાં કોઈ અનિચ્છિનીય બનાવ ન બને અને કાયદો-સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સુચનો અપાયા હતા. તહેવારોમાં ટ્રાફીક વ્યવસ્થા, જાહેર સ્થળોએ ભીડ નિયંત્રણ, તેમજ મંડળો દ્વારા કાર્યક્રમમાં સુચનાઓનું પાલન થાય તે અંગે ચર્ચા કરાઇ હતી.


  • Follow us on: