ભરૂચ શહેરના મધ્યમાં આવેલું અને ઐતિહાસિક દરજ્જો ધરાવતાં રતન તળાવની સાફસફાઈના કારણે તેમાં વસતાં અતિ દૂર્લભ એવા શિડ્યુલ-1માં આવતાં કાચબાના અસ્તિત્વ સામે જોખમ ઉભુ થયું છે. છેલ્લા એક સપ્તાહથી સ્થાનિકો દ્વારા પાલિકામાં રજૂઆત કરતાં આખરે શુક્રવારે પાલિકે તળાવની સફાઈની કવાયત શરૂ કરી હતી.
ભરૂચ શહેરના મધ્યમાં આવેલું રતન તળાવ ઐતિહાસિક ધરોહર હોવા છતાં ભરૂચ નગરપાલિકા તેની સાફસફાઈ અને જતન માટે કોઈ રસ દાખવતું નથી. છેલ્લા કેટલાંય વર્ષોથી રતન તળાવમાં દબાણ, ગંદકી, તેમજ આસપાસની હોટલો-દુકાનોના ગંદા અને મળમુત્રવાળા પાણી તળાવમાં ફળતાં હોવા સહિતના અનેક પ્રશ્નો સાથે સ્થાનિકો દ્વારા પાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે.તેમ છતાં પાલીકા દ્વારા કોઈ ચોક્કસ કાર્યવાહી કરાતી ન હતી. દરમિયાનમાં તાજેતરમાં જ રતન તળાવમાં એક અલભ્ય કાચબાનું મોત થયું હતું બાદમાં તળાવના માછલાં મરી જતાં તેની દુર્ગંધને કારણે આસપાસમાં રહેતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી. જેના પગલે તેમણે નગરપાલિકાના સીઓને મળીને રજૂઆતો કરી હતી. દરમિયાનમાં શુક્રવારથી નગરપાલિકા દ્વારા તળાવની સફાઈની કામગીરી શરુ કરી હતી. જોકે, પાલિકા દ્વારા આગામી કેટલાં દિવસ અને સમયસર સાફસફાઈ કરશે કે નહીં તે જોવું રહ્યું.










