સમગ્ર રાજયમાં શરૂ થયેલ ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ 2025નો ત્રીજા દિવસે ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના પ્રા.શાળા વાગલખોડ, એકલવ્ય મોડેલ સ્કુલ અને માધ્યમિક શાળા ભીલોડ ખાતે ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ શાળામાં પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.


ભરૂચ જિલ્લા કલેકટર અને મહાનુભાવોએ શિક્ષણની સોનેરી સફરમાં પગરવ માંડતા ભૂલકાંને શૈક્ષણિક કીટ તેમજ સ્નેહભેર આવકાર આપીને બાલવાટીકા અને આંગણવાડીના વિદ્યાર્થીઓ અને માધ્યમિક શાળામાં પ્રવેશ અપાવ્યો હતો અને તેમના માટે શૈક્ષણિક સફરની આ શરૂઆતની જીવનભરનું સુંદર સંભારણુ બનાવી હતી. આ અવસરે ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ ઉદબોધન કરતા જણાવ્યુ હતુ કે, આજથી બે દાયકા પુર્વે એક નાના વિચાર સાથે શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આજે સમાજનો ઉત્સવ બની ગયો છે. પ્રાથમિક શિક્ષણ એ કોઈ એક વિભાગ કે માત્ર શિક્ષકોની નહીં પણ સમગ્ર સમાજની જવાબદારી છે એટલે જ પ્રવેશોત્સવને સમાજોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યુ છે.

સરકાર અને સમાજની સંયુકત જવાબદારી સમાજના દરેક વ્યકિતને શિક્ષણ સાથે જોડવાની અને શૈક્ષણિક પ્રવાહમાં લાવવાની છે. પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના આ માનવતા ભર્યા મહાયજ્ઞ થકી અત્યાર સુધીમાં આપણને સારા અને સુખદ પરિણામો મળ્યા છે. આવા કાર્યક્રમો થકી સો ટકા નામાંકન ઉપરાંત હવે ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય થવાની આરે પહોંચી ચુકયો છે. ત્યારે નાના બાળકોને શૈક્ષણિક જીવનમાં પહેલી પગલી મંડાવતા ભરૂચ કલેકટરે ઉમેર્યુ હતુ કે, જીવનમાં આગળ વધવા માટે શિક્ષણ સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી. માટે બાળકોને તેમણે નિયમીત શાળાએ આવવા સુચન કર્યુ હતુ. કાર્યક્રમ દરમ્યાન શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને જિલ્લા કલેકટર ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાડવી હતી તેમજ એસ.એમ.સીના સભ્યો સાથે સંવાદ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત શાળામાં શૈક્ષણિક જરૂરિયાતો માટે છુટા હાથે દાન કરતા, દાતાઓ સહિત શાળામાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિમાં આગળ પડતા તેજસ્વી તારલાઓ ઉપરાંત જ્ઞાન સાધના અને જ્ઞાનસેતુ જેવી પરીક્ષાઓ ઉત્તીર્ણ કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યુ હતુ. આ તકે ગામના સરપંચ, તલાટીઓ, ગામના અગ્રણીઓ, શાળાના આચાર્ય સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ, વાલીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


  • Follow us on: