જંબુસરમાં પતિ પત્ની વચ્ચે ચાલતી લાંબા સમયની ખટરાગનો આજે કરૂણ અંજામ આવ્યો હતો. પતિએ દાંતીના ઘા ઝીંકીને પત્નીની હત્યા કરી નાખી હતી ત્યાર બાદ પતિએ પણ જાતે ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલમાં પતિ બેભાન હાલતમાં વડોદરા સારવાર માટે ખસેડાયો હતો જ્યા તેનું મોત થયુ હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના સામોજ ગામે રહેતા બુધેસંગ શંકરભાઈ પઢિયાર અને તેની પત્ની ગીતાબેન વચ્ચે ઘણા સમયથી અણબનાવ ચાલતો હતો. જેના પગલે પતિ પત્ની બન્ને અલગ રહેવા જતા રહ્યા હતા. ગીતાબેન સામોજ ગામમા આવેલ પોતાના મકાનમા રહેતા હતા.અને બુધેસંગ ખેતરમા આવેલ મકાનમા રહેતા હતા.દરમિયાન ગીતાબેન આજે ખેતરમા પોતાના પશુઓ માટે ચારો લેવા ગયા હતા ત્યારે બન્ને પતિ પત્ની વચ્ચે કોઈ કારણોસર ઝગડો થયો હતો અને બુધેસંગે આવેશમા આવીને ગીતાબેનના માથાના પાછળ બોચીના ભાગે તિક્ષ્ણ હથિયાર દાંતી વડે ઘા કરતા ગીતાબેન ઢળી પડયા હતા અને તરફડીયા મારીને સ્થળ પર જ મોતને ભેંટયા હતા. પત્નીની હત્યા કર્યા બાદ બુધેસંગ પઢીયારે પણ ઝેરી દવા પી લઈ જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ બુધેસંગ પઢિયારને સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યા પ્રાથમિક સારવાર બાદ ડોકટરે વધુ સારવાર અર્થે વડોદરા રિફર કર્યા હતા. વડોદરામાં સારવાર દરમિયાન તેનું મોત થયુ હતું. બનાવ સંદર્ભે વેડચ પી.આઇ. કે.એન.સોલંકીએ હત્યાની અને આત્મહત્યાની ઘટના સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










