ભરૂચ શહેર સ્થિત ઐતિહાસિક જામા મસ્જિદના ભોંયરામાંથી મળી આવેલી પ્રાચીન મૂર્તિનો વિવાદ હવે રાજ્યની સર્વોચ્ચ અદાલત એટલે કે ગુજરાત હાઈકોર્ટના દરવાજે પહોંચ્યો છે. મસ્જિદ પરિસરમાંથી મળી આવેલી જૈન ધર્મના 19મા તીર્થંકર ભગવાન મલ્લિનાથની મૂર્તિની પવિત્રતા જાળવવા અને ત્યાં પૂજા-અર્ચના કરવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં એક ખાસ જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે.

મૂર્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ

અરજદારોએ પોતાની અરજીમાં રજૂઆત કરી છે કે મસ્જિદના ભોંયરામાંથી મળી આવેલી ભગવાન મલ્લિનાથની પ્રતિમા અત્યંત પવિત્ર અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે. અરજદારોએ એવી ગંભીર આશંકા વ્યક્ત કરી છે કે આ પવિત્ર મૂર્તિને કોઈ અસામાજિક કે અસંતુષ્ટ તત્વો દ્વારા નુકસાન પહોંચાડીને તેને નષ્ટ કરવાનો પ્રયાસ થઈ શકે છે. આથી અદાલતે તુરંત હસ્તક્ષેપ કરીને આ પ્રાચીન અને પવિત્ર મૂર્તિની યોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આદેશ આપવો જોઈએ.

કેન્દ્ર સરકાર, ASI અને મસ્જિદ કમિટીને પક્ષકાર બનાવાયા

આ સંવેદનશીલ કેસમાં અરજદારો દ્વારા કેન્દ્ર સરકાર, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI), ગુજરાત રાજ્ય સરકાર તેમજ જામા મસ્જિદ પ્રબંધક સમિતિને સત્તાવાર રીતે પક્ષકાર બનાવવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં આજે આ અરજી પર પ્રાથમિક સુનાવણી હાથ ધરવામાં આવનાર છે, જેના પર સમગ્ર રાજ્ય અને ધાર્મિક સંગઠનોની નજર ટકેલી છે.

આ પણ વાંચો : Kutchના ખાવડામાં દર્દનાક માર્ગ અકસ્માત, બોલેરો અને ટેન્કર વચ્ચે ભીષણ ટક્કરમાં 7 કામદારોના કરૂણ મોત!