સૌથી પુરાણી રથયાત્રાઓમાં જેનો સમાવેશ થાય છે તેવી ભરૂચ નગરની રથયાત્રા આજરોજ યોજાઈ હતી જેમાં ખુબ ઉત્સાહપુર્વક ભરૂચ નગર અને જિલ્લાના જ નહી પરંતુ આજુબાજુના જિલ્લાના લોકો પણ જોડાયા હતા. ભરૂચ જિલ્લાને અડીને આવેલા અન્ય જિલ્લાના ગામોના રહેવાસીઓ પણ વરસોથી ભરૂચ પંથકમાં યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાતા હોય છે અને દોરડા વડે રથ ખેંચવાનો લ્હાવો લેતા હોય છે. ભરૂચ નગરની સૌથી પુરાણી અને લોકપ્રિય એવી ફુરજા નજીકના જગન્નાથ મંદિર ખાતેથી નીકળી જુના ભરૂચના વિવિધ વિસ્તારોમાં ફરતી હોય છે. આજે ભગવાન જગન્નાથની યાત્રામાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, દિવ્યેશ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભગવાન જગન્નાથની યાત્રાનું મહત્વ એટલુ છે કે ભરૂચ જિલ્લાના સાંસદ, ધારાસભ્યો, રાજકીય અગ્રણીઓથી માંડીને સરકારી અમલદારો તમામ પોતાનો પદ કે હોદ્દાને ભૂલીને ભગવાન જગન્નાથની રથયાત્રા દોરડા વડે ખેંચવા ઉત્સુક બની જતા હોય છે. આજરોજ પણ આવા દ્રશ્યો સર્જાયા હતા. જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ ભરૂચની ધન્યતામાં વધારો થતો હોય તેમ રથયાત્રાની સંખ્યામાં પણ વધારો થયો. જેમ કે ઉડીયા સમાજના લોકોએ પોતાની રથયાત્રાનુ આયોજન કર્યુ. અલબત્ત આ રથયાત્રામાં તેમના મુળ વતનના રિતિરિવાજો મુજબ રથયાત્રા નીકળી હતી પરંતુ તેમાં પણ ખુબ મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડયા હતા. તે સાથે હરે રામા હરે ક્રિષ્ણાની ધૂન સાથે ઈસ્કોન સંસ્થાની રથયાત્રા પણ ભરૂચ નગરના કસક સર્કલ પાસેથી નીકળી હતી આમ ભરૂચ નગરના લગભગ તમામ વિસ્તાર અને આજુબાજુના વિસ્તારોમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રા નગરચર્યાએ નીકળી હતી. સ્વભાવિક રીતે ભરૂચ નગર એ ખુબ પાવન નગર કહી શકાય કે જેમાં ત્રણ ત્રણ રથયાત્રાઓનું આયોજન કરાયુ. અષાઢી બીજના દિવસે યોજાતી આવી રથયાત્રાઓમાં ખુબ ઉમંગભેર ભકતો જોડાયા.










