ભરૂચ અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ હાંસોટમાં 3 ઈંચ અને વાલીયામાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ જામતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.


ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થયો છે ત્યારે આજે વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી અને સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો સૌથી વધુ હાંસોટ પંથકમાં 3 ઈંચ અને વાલીયામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તો બીજી તરફ અંકલેશ્વરમાં પણ 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ ચોમાસાની શરૂઆતમાં ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ તરફ હવામાન વિભાગ દ્વારા તારીખ 24 જૂન સુધી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે લોકોને સતર્ક રહેવા તંત્રએ અપીલ કરી છે.

ઘસમસતા પાણી વચ્ચે પેસેન્જર કાર ફસાઈ : વાલિયા પંથકમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

વાલિયા : વાલીયા પંથકમાં ભારે વરસાદના પગલે અંકલેશ્વરથી વાલીયાને જોડતા સ્ટેટ હાઇવે પર નલધરી ગામ નજીક બનાવવામાં આવે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ થયો હતો. જો કે પાણીમાં કાર ફ્સાઈ જતા ટ્રકની મદદથી બહાર કાઢવામાં આવી હતી. અંકલેશ્વરથી વાલીયાને જોડતા સ્ટેટ હાઇવે પર નલધરી ગામ પાસે હાલ નાળાની કામગીરી ચાલી રહી છે જેના પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડાયવર્ઝન અપાયું છે. નલધરી ગામ નજીક કોતર નજીક બનાવાયેલા ડાયવર્ઝન પરથી વરસાદી પાણી ફરી વળ્યા હતા જેના કારણે માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો.ડાયવર્ઝન પરથી વહેતા ધસમસતા પાણી વચ્ચેથી પસાર થતા એક પેસેન્જર ઇકો કાર પણ ફ્સાઈ ગઈ હતી જોકે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો અને ટ્રકની મદદથી કારને બહાર કઢાઈ હતી.આ તરફ વરસાદી પાણીના પગલે અંકલેશ્વરથી વાલિયાને જોડતો સ્ટેટ હાઇવે વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો જેના પગલે પોલીસ કાફ્લો અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા.


  • Follow us on: