ભરૂચ નગરપાલિકાની નવી રચાયેલી બોડીની પ્રથમ સામાન્ય સભાની શરૂઆત જ ભારે વિવાદ અને હોબાળા સાથે થઈ છે. સભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ પાલિકાના રૂ. 206 કરોડના હિસાબ-કિતાબ અને નાણાકીય વ્યવહારો મુદ્દે સવાલો ઊભા કર્યા હતા. વિપક્ષ દ્વારા તીખા પ્રહારો સાથે હિસાબોની ચોક્કસ વિગતો માંગવામાં આવતાં જ સભાખંડનું વાતાવરણ અત્યંત ગરમાઈ ગયું હતું.

ચર્ચા કર્યા વિના સત્તાપક્ષે સભા છોડ્યાનો આક્ષેપ

વિપક્ષના આક્રમક વલણ અને પ્રશ્નોના વરસાદ વચ્ચે સત્તાપક્ષના સભ્યો એજન્ડા પર નક્કી કરેલા કામો અંગે કોઈ પણ જાતની ચર્ચા કર્યા વિના જ સભાખંડ છોડીને બહાર નીકળી ગયા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સત્તાપક્ષના આ વલણ સામે કોંગ્રેસના નગરસેવકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને લોકશાહીનું અપમાન થયું હોવાનું જણાવી પ્રાદેશિક કમિશનર (Regional Commissioner) સમક્ષ આ મુદ્દે લેખિતમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

પ્રાદેશિક કમિશનરનું કડક વલણ

કોંગ્રેસના નગરસેવકોની રજૂઆત અને સભામાં સર્જાયેલી અસ્થિર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક કમિશનરે આ મામલાને ગંભીરતાથી લીધો છે. કમિશનરે ભરૂચ નગરપાલિકાના સત્તાપક્ષના સભ્યો તેમજ જવાબદાર ઉચ્ચ અધિકારીઓને નોટિસ પાઠવીને આવનારી 29 ઓક્ટોબરના રોજ રૂબરૂ હાજર રહેવા માટે કડક ફરમાન આપ્યું છે. કમિશનરના આ સમન્સને પગલે ભરૂચ પાલિકાના રાજકારણમાં અને અધિકારીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો : Bhavnagarમાં ધોરણ-8ની વિદ્યાર્થિનીના નામે નકલી લવ લેટર વાયરલ, શાળા અને ટ્યુશન ક્લાસમાં ખળભળાટથી ભારે રોષ!