ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં એક અત્યંત દુઃખદ અને કરુણ ઘટના સામે આવી છે. આમોદના ભીમપુરા વિસ્તારમાં રહેતા 39 વર્ષીય વિજયભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ કડિયાકામ કરી રહ્યા હતા તે સમયે અચાનક વીજકરંટ લાગતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. શોર્ટ સર્કિટ કે વીજવાયરના સંપર્કમાં આવી જવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
108 મારફતે હોસ્પિટલ ખસેડાયા
ઘટના બની બનતા જ આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108 ના કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિજયભાઈને પ્રાથમિક સારવાર આપી આમોદ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. પરિવારના મોભી જેવા સભ્યના અચાનક અવસાનથી શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
