ભરૂચ જિલ્લાના વિલાયત અને સાયખા જીઆઈડીસીમાં આવેલા અનેક નાના મોટા ઉદ્યોગો દેરોલથી વિલાયત સુધીના સ્ટેટ હાઈવેના માત્ર ચાર કિલોમીટર રોડની અત્યંત ખરાબ હાલત થઈ જવા પામી છે. જેને પગલે વાહન ચાલકો અને નોકરિયાત વર્ગ છેલ્લા 6 મહિનાથી ત્રાહિમામ પોકારી ગયો છે. જેને પગલે આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે.
વિલાયત અને સાયખાના ઉદ્યોગોને જોડતા દેરોલ-વિલાયત માર્ગનું નવીનીકરણ આઠ મહિના પહેલા કરાયું હતું. છતાંય ચાર કિલોમીટર નો માર્ગ કે તેની મરામત નહીં કરાતા ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓ, વાહન ચાલકો, ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટરો તેમજ તાલુકા મથક વાગરા અને આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારના લોકો ત્રસ્ત થઈ ગયા છે. માત્ર ચાર કિલોમીટર અંતર કાપતા 40 થી 90 મિનિટનો સમય લાગે છે. બેથી ત્રણ ફૂટ ઉંડા ખાડાઓને કારણે તમામ પ્રકારના વાહનો અને તેમાં ભરેલ મટીરીયલને ભારે નુકશાન થાય છે. દરરોજ અહીંથી 3000 કરતા વધુ વાહનોની અવરજવર રહે છે. અંદાજે રોજ 10 હજાર કર્મચારીઓની આવન જાવન છે. રસ્તાના ખસતા હાલને કારણે કર્મચારીઓ સમયસર નોકરી પર અને ઘરે પણ પહોંચી શકતા નથી.










