વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લેવાયેલા લોક કલ્યાણકારી અને છેવાડાના માનવીને લાભકારી નિર્ણયો બદલ આભાર વ્યકત કરવા માટે ભરૂચ જિલ્લાના સમસ્ત સહકારી ક્ષેત્રે દ્વારા પોસ્ટકાર્ડ મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાની તમામ સહકારી સંસ્થાઓના સભ્યો, ખેડૂતો અને પશુપાલકો દ્વારા વડાપ્રધાનને સામુહિક રીતે આભાર પત્રો મોકલવામાં આવી રહ્યા છે.
સહકારી ક્ષેત્રને સમૃદ્ધ બનાવવા બદલ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના શક્કરપોર અને સજોદની દુધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભાર વ્યકત કરતા પોસ્ટકાર્ડ ઉત્સાહભેર લખ્યા હતા. તાજેતરમાં સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વપુર્ણ નિર્ણયોના સીધા પ્રતિસાદ રૂપે મહાઅભિયાનમાં ભરૂચ જિલ્લાની તમામ સહકારી સંસ્થાઓના હોદ્દેદારો, સભ્યો, ખેડૂતો, પશુપાલકો તેમજ તેમના પરિવારજનો ખુબ ઉત્સાહ સાથે જોડાયા છે. આ પહેલ દ્વારા નાગરિકો સરકારના કલ્યાણકારી કાર્યો પ્રત્યે પોતાનો સકારાત્મક પ્રતિભાવ રજુ કરી રહ્યા છે.આભાર વ્યકત કરવાની સાથે સાથે, સહકારી સભ્યો દ્વારા પોસ્ટકાર્ડસ પર હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, જેવા રાષ્ટ્રપ્રેમી સુત્રોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ સુત્રો દ્વારા ભારતના નાગરિકો સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પ્રત્યે વધુ જાગૃત થાય અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપે તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ આ અભિયાન આભાર વ્યકત કરવાની સાથોસાથ રાષ્ટ્રીય જાગૃતિ ફેલાવવાનું માધ્યમ પણ બની રહ્યુ છે.










